આૅસ્ટ્રેલિયાની ટોચની પ્લેયર્સ એલિસ પેરી અને ઍનાબેલ સધરલૅન્ડ અનુક્રમે બૅન્ગલોર અને દિલ્હી માટે ઉપલબ્ધ નહીં હોય, અમેરિકાની તારા નૉરિસ પણ ખસી ગઈ
આ ખેલાડીઓ થયા આઉટ
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026નો આગામી ૯ જાન્યુઆરીએ પ્રારંભ થાય એ પહેલાં જ ત્રણ ટીમોની ક્રિકેટર્સે પોતાનું નામ પાછું ખેંચ્યું છે. વર્ષ ૨૦૨૬ના ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ ક્વૉલિફાયરમાં અમેરિકાની નૅશનલ ડયુટી માટે મીડિયમ ફાસ્ટ બોલર તારા નૉરિસ WPL 2026માં રમી શકશે નહીં. યુપી વોરિયર્સે તેને ૧૦ લાખ રૂપિયામાં ખરીદી હતી. એટલી જ કિંમતમાં ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ચાર્લી નૉટ યુપી વોરિયર્સ સાથે કરારબદ્ધ થઈ છે.
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની અનુભવી ઑલરાઉન્ડર એલિસ પેરી અને દિલ્હી કૅપિટલ્સ (DC)ની યંગ ઑલરાઉન્ડર ઍનાબેલ સધરલૅન્ડ પણ બહાર થઈ ગઈ છે. બન્ને ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સે વ્યક્તિગત કારણોસર આ સીઝનમાંથી નામ પાછું ખેંચી લીધું છે. RCBએ એલિસ પેરીને ૨ કરોડ રૂપિયા અને DCએ ઍનાબેલ સધરલૅન્ડને ૨.૨૦ કરોડ રૂપિયામાં રીટેન કરી હતી.
RCBએ રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે ૩૦ લાખ રૂપિયામાં ભારતીય ઑલરાઉન્ડર સાયલી સાતઘરેને અને DCએ ૬૦ લાખ રૂપિયામાં ઑસ્ટ્રેલિયાની ભારતીય મૂળની લેગ-સ્પિનર અલાના કિંગને ટીમમાં સામેલ કરી છે.
ADVERTISEMENT
WPL 2026 માટે ઍશ્લી ગાર્ડનરને ગુજરાત જાયન્ટ્સે કૅપ્ટન તરીકે જાળવી રાખી
ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ઍશ્લી ગાર્ડનર આગામી વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં ગુજરાત જાયન્ટ્સની કૅપ્ટન્સી ચાલુ રાખશે. ગુજરાત જાયન્ટ્સે હાલમાં આ નિર્ણય વિશે ઑફિશ્યલ જાહેરાત કરી છે. ૨૮ વર્ષની આ સ્પિનર ગુજરાતની વર્તમાન ટીમની ૩.૫૦ કરોડ રૂપિયાની સૌથી મોંઘી પ્લેયર પણ છે. ઍશ્લી ગાર્ડનરે WPLની ૨૫ મૅચમાં ૫૬૭ રન કરવાની સાથે ૨૫ વિકેટ પણ લીધી છે. WPL 2025માં તેના નેતૃત્વમાં ગુજરાત ૪-૪ હાર અને જીત સાથે પાંચ ટીમો વચ્ચે ત્રીજા ક્રમની ટીમ બની હતી. અગાઉની પ્રારંભિક બન્ને સીઝનમાં ગુજરાત જાયન્ટ્સ તળિયાની ટીમ હતી. બેથ મૂની અને સોફી ડિવાઇન જેવી અનુભવી પ્લેયર્સ ટીમમાં હોવા છતાંય ટીમ-મૅનેજમેન્ટે ઍશ્લી ગાર્ડનર પર વિશ્વાસ જાળવી રાખ્યો છે.


