સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન સાથે હાથ મિલાવ્યા રેલવેએ જેથી આવા મોબાઇલ ફરિયાદ બાદ તરત બ્લૉક થઈ જશે અને એ ચાલુ થવાની સાથે તરત આરોપી સુધી પહોંચી જશે રેલવે પ્રોટેક્શન ફોર્સ
પ્રતીકાત્મક તસવીર
રેલવેના પ્રવાસીઓને હવે પછી પોતાનો ખોવાયેલો મોબાઇલ ફોન શોધવામાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) મદદ કરશે. રેલવેએ આના માટે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશનના સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) પોર્ટલ સાથે હાથ મિલાવ્યા છે. આ પહેલનો પાઇલટ પ્રોગ્રામ નૉર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવેમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો છે. હવે આ પહેલને આખા દેશમાં શરૂ કર્યા બાદ એનો ફાયદો કરોડો પ્રવાસીઓ લઈ શકશે.
જો કોઈ પ્રવાસીનો ફોન ખોવાય તો એની જાણકારી રેલવે હેલ્પલાઇન અથવા તો ૧૩૯ નંબર પર ફોન કરીને આપવાની રહેશે. પ્રવાસી આના માટે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરાવવા ન માગે તો તેને CEIR પોર્ટલ પર પોતાની ફરિયાદ નોંધાવવાનો વિકલ્પ મળશે. યાત્રી જેવો CEIRનો વિકલ્પ પસંદ કરશે કે તરત જ RPFની ઝોનલ સાઇબર સેલ આ ફરિયાદને CEIR પોર્ટલ પર રજિસ્ટર કરશે અને મોબાઇલને બ્લૉક કરી દેશે.
ADVERTISEMENT
ત્યાર બાદ જો નવા સિમ સાથે કોઈ આ ખોવાયેલો કે ચોરી થયેલો મોબાઇલ શરૂ કરશે તો તેને નજીકના RPF પોલીસ-સ્ટેશનમાં એ પાછો આપવાનું કહેવામાં આવશે. ત્યાર બાદ પણ જો તે વ્યક્તિ મોબાઇલ પાછો નહીં આપે તો તેની ખિલાફ ફરિયાદ નોંધવામાં આવશે અને જો તે આપી જશે તો મૂળ માલિકને જરૂરી ડૉક્યુમેન્ટ્સ તપાસ્યા બાદ એ પાછો આપી દેવામાં આવશે. એક વાર ફોન પાછો મળી ગયા પછી મૂળ માલિકે આ મોબાઇલને CEIR પોર્ટલની મદદથી અનબ્લૉક કરાવવાનો રહેશે. એમાં RPF પ્રવાસીની મદદ કરશે.

