ઇન્ડોનેશિયાએ ISIS સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓને ભારતને સોંપ્યા; આ આતંકવાદીઓ મહારાષ્ટ્રમાં ISISના સ્લીપર સેલના સભ્યો હતા; જકાર્તાથી મુંબઈ પહોંચતાની સાથે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આતંકવાદ સામેના ભારત (India)ના યુદ્ધમાં ઇન્ડોનેશિયા (Indonesia)એ ફરી એકવાર મિત્રતાનો હાથ લંબાવ્યો છે. વિશ્વની સૌથી મોટી મુસ્લિમ વસ્તી ધરાવતા આ દેશે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ ધ લેવન્ટ – આઇએસઆઇએસ (Islamic State of Iraq and the Levant – ISIS) સાથે જોડાયેલા બે શંકાસ્પદ આતંકવાદીઓને ભારતને સોંપીને વૈશ્વિક આતંકવાદ સામે પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
આ બે આતંકવાદીઓ, અબ્દુલ્લા ફયાઝ અને તલ્હા ખાન, મહારાષ્ટ્ર (Maharashtra)માં ISISના સ્લીપર સેલના સભ્યો હોવાનું કહેવાય છે. જકાર્તા (Jakarta)થી મુંબઈ પહોંચતાની સાથે જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ભારત (India)નું સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ (Pahalgam)માં ૨૨ એપ્રિલે મંગળવારે થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack)પછી આ પગલું ભારત માટે એક મોટો ટેકો બની શકે છે. પહેલગામ આતંકવાદી હુમલામાં ૨૬ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા.
ADVERTISEMENT
ઇન્ડોનેશિયાથી પકડવામાં આવેલા અબ્દુલ્લા ફયાઝ શેખ ઉર્ફે ડાયપરવાલા અને તલ્હા ખાન ઉર્ફે તલ્હા લિયાકત ખાન બે શંકાસ્પદ આતંકવાદી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (National Investigation Agency – NIA)એ રવિવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport) પરથી બંનેની ધરપકડ કરી હતી. આ આતંકવાદીઓ મહારાષ્ટ્રમાં ISIS ના સ્લીપર સેલ મોડ્યુલ સાથે જોડાયેલા છે. આ બંને ૨૦૨૩ના પુણે (Pune) આઇડી (IED) બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ હતા. અબ્દુલ્લાના માથા પર ત્રણ લાખ રૂપિયાનું ઈનામ હતું. તલ્હા લિયાકત ખાન પર પુણેમાં IED બનાવવાનો અને આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવાનો પણ આરોપ છે. તેના પર પણ ત્રણ લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. બંને આતંકવાદીઓ પર UAPA અને અન્ય આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેઓ અન્ય આરોપીઓ સાથે કટ્ટરપંથી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યા હતા.
પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલાએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓ સામે કડક કાર્યવાહી કરી હતી. હવે ઇન્ડોનેશિયાએ પણ ભારત સાથે ખભે ખભા મિલાવીને આતંકવાદ સામેના યુદ્ધમાં પોતાની ભૂમિકા ભજવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને આતંકવાદી ઇન્ડોનેશિયામાં છુપાયેલા હતા, પરંતુ ત્યાંની સરકારે તેમને પકડીને ભારતને સોંપી દીધા હતા. આ પગલું માત્ર ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેના મજબૂત સંબંધોને જ પ્રતિબિંબિત કરતું નથી, પરંતુ વૈશ્વિક આતંકવાદ સામે એકતાનું પ્રતીક પણ છે.
ઇન્ડોનેશિયા હંમેશા કાશ્મીર મુદ્દા પર ભારતની સાથે ઉભું રહ્યું છે. તેણે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (Organization of Islamic Cooperation - OIC)માં પણ ભારતને ટેકો આપ્યો છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો (Prabowo Subianto)એ જાન્યુઆરીમાં ભારતના પ્રજાસત્તાક દિવસના સમારોહમાં હાજરી આપી હતી અને નવી દિલ્હી (New Delhi)માં વધુ સમય વિતાવવા માટે પાકિસ્તાનની તેમની મુલાકાત રદ કરી હતી. તેમની મુલાકાત બંને દેશો વચ્ચે વધતા વિશ્વાસનો પુરાવો હતી. સુબિયાન્ટોએ જકાર્તામાં ભારતીય રાજદૂત સાથેની મુલાકાત દરમિયાન પહેલગામ હુમલા પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે, આ હુમલો ઇન્ડોનેશિયામાં અનુસરવામાં આવતા ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
જાન્યુઆરીમાં સુબિયાન્ટો અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) વચ્ચેની મુલાકાત દરમિયાન આતંકવાદ સામે કડક વલણ અપનાવવા સંમતિ સધાઈ હતી. બંને નેતાઓએ આતંકવાદી ભંડોળ રોકવા, આતંકવાદી ભરતીને દૂર કરવા અને ઓનલાઈન કટ્ટરપંથીકરણને રોકવા માટે સાથે મળીને કામ કરવાનું વચન આપ્યું હતું. તમામ સ્વરૂપોમાં આતંકવાદની સખત નિંદા કરતા, બંને નેતાઓ આતંકવાદી જૂથોને સલામત આશ્રયસ્થાનો અને સમર્થન નેટવર્ક્સ નકારવા માટે સામૂહિક કાર્યવાહી પર સંમત થયા હોવાનું સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે. તેમણે યુએન દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સામે નક્કર કાર્યવાહી કરવાની પણ હાકલ કરી હતી. ઇન્ડોનેશિયાનું આ પગલું માત્ર ભારત માટે મદદરૂપ નથી, પરંતુ તે વૈશ્વિક આતંકવાદ સામે એક મજબૂત સંદેશ પણ આપે છે. વિશ્વના સૌથી મોટા મુસ્લિમ દેશના નેતાનું આતંકવાદ સામે ખુલ્લું વલણ અને ભારત સાથે સહયોગ એ વાતનો પુરાવો છે કે દેશોએ શાંતિ અને માનવતાના રક્ષણ માટે એક થવું પડશે. બંને આતંકવાદીઓની ધરપકડથી ભારતને ISIS સ્લીપર સેલના નેટવર્કને તોડવામાં મદદ મળશે, જે દેશની સુરક્ષા માટે એક મોટું પગલું છે.

