એક્સાઇઝ ડ્યુટીના કેસની સુનાવણીમાંથી જસ્ટિસ સ્વર્ણકાન્તા ખુદ હટી ગયાં અને કહ્યું કેજરીવાલ સહિતના AAPના નેતાઓ પર કોર્ટની અવમાનનાની કાર્યવાહી કરીશ
સ્વર્ણકાન્તા શર્મા
દિલ્હી હાઈ કોર્ટનાં જજ સ્વર્ણકાન્તા શર્મા ખુદ અરવિંદ કેજરીવાલ સામેના એક્સાઇઝ ડ્યુટીના કેસમાંથી હટી ગયાં છે. સ્વર્ણકાન્તા શર્માએ અરવિંદ કેજરીવાલ ઉપરાંત મનીષ સિસોદિયા, દુર્ગેશ પાઠક, સૌરભ ભારદ્વાજ, સંજય સિંહ અને વિનય મિશ્રા સામે કન્ટેમ્પટ ઑફ કોર્ટની કાર્યવાહી શરૂ કરવાની જાહેરાત કરીને કહ્યું હતું કે ‘જે જજ અવમાનનાની કાર્યવાહી શરૂ કરે છે તેઓ મુખ્ય કેસની સુનાવણી નથી કરી શકતા. હું લિકર એક્સાઇઝ પૉલિસીના કેસને ચીફ જસ્ટિસની સામે લિસ્ટ કરીશ જેથી કેસની સુનાવણી કોઈ બીજા જજ કરી શકે.’
અરવિંદ કેજરીવાલે દારૂકાંડ કેસમાં જસ્ટિસ શર્માને હટાવવાની માગણી કરી હતી. તેમણે આરોપ મૂક્યો હતો કે ‘જસ્ટિસ સ્વર્ણકાન્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમમાં ચાર વાર સામેલ થઈ ચૂક્યાં છે એટલે તેમની પાસેથી ન્યાય મળવાની આશા નથી.’
ADVERTISEMENT
જસ્ટિસ સ્વર્ણકાન્તાએ અરવિંદ કેજરીવાલ પર આરોપોની ઝડી વરસાવતાં કહ્યું હતું, ‘જો કોઈ પક્ષને કોર્ટના આદેશ પર આપત્તિ હતી તો તેમણે સુપ્રીમ કોર્ટમાં જવું જોઈતું હતું. એના બદલે તેમણે સોશ્યલ મીડિયાના માધ્યમથી ન્યાયપાલિકાને નિશાન બનાવી અને કોર્ટની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા. મને ડરાવવાની કોશિશ કરી, પણ હું ડરીશ નહીં. ન્યાયાધીશોનું સન્માન તેમની ખુરસીથી નહીં પણ સંવિધાન મુજબ નિર્ભીક નિર્ણયો આપવાથી વધે છે. આલોચના અને અવમાનનામાં ફરક હોય છે. કોઈ નિર્ણયની ટીકા કરવી એ અવમાનના નથી, પરંતુ તેમણે સુનિયોજિત રીતે કોર્ટની નિષ્પક્ષતા પર હુમલો કર્યો છે. કેજરીવાલનું વર્તન ક્રિમિનલ કન્ટેમ્પટ સમાન છે અને જો એના પર ધ્યાન નહીં આપવામાં આવે તો અરાજકતા ફેલાઈ જશે.’
