અરવિંદ કેજરીવાલની ચર્ચાસ્પદ માગણી
અરવિંદ કેજરીવાલ
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પ્રશાસન માટે તેમને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ એવો દાવો કરીને રાજકીય તોફાન મચાવ્યું છે. ભારતીય જનતા પાર્ટી (BJP)એ આ નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપીને કેજરીવાલના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યું છે અને તેમના પર બિનકાર્યક્ષમતા અને ભ્રષ્ટાચારથી ભરેલો કાર્યકાળ ચલાવવાનો આરોપ લગાવ્યો છે.
મંગળવારે ચંડીગઢમાં ‘ધ કેજરીવાલ મૉડલ’ નામના પુસ્તકની પંજાબી આવૃત્તિના લોકાર્પણ પ્રસંગે બોલતાં આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે ‘જ્યાં સુધી અમારી સરકાર દિલ્હીમાં હતી ત્યાં સુધી અવરોધો હતા, પણ અમે કામ કરતા રહ્યા. તેથી મને લાગે છે કે મને શાસન અને વહીવટ માટે નોબેલ પુરસ્કાર મળવો જોઈએ, કારણ કે મેં આટલી બધી સમસ્યાઓ હોવા છતાં અને લેફ્ટનન્ટ ગવર્નરની હાજરી હોવા છતાં ઘણું બધું કામ કર્યું હતું. BJPની નવી સરકાર ન તો કામ કરવા માગે છે કે ન તેઓ ઇચ્છે છે કે કોઈ બીજા કામ કરે.’
ADVERTISEMENT
એક કાર્યકર્તા તરીકે રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) પરના તેમના કાર્ય માટે મૅગ્સેસે પુરસ્કાર જીતનારા કેજરીવાલે કહ્યું હતું કે ‘એક રાજકારણી તરીકે હું ફક્ત એ બતાવવા માગતો હતો કે સરકારી સ્કૂલો અને હૉસ્પિટલો પણ સારાં ઉદાહરણો હોઈ શકે છે. મને દરેક ચૂંટણી જીતવાની કોઈ ચિંતા નહોતી. મારું કામ એક મૉડલ બનાવવાનું હતું અને અમે એ કર્યું છે.’
આ સંદર્ભમાં દિલ્હીના કૅબિનેટ પ્રધાન મનજિંદર સિંહ સિરસાએ કેજરીવાલની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે અમે દિલ્હી વિધાનસભામાં એક ઠરાવ પસાર કરીશું કે જેમ અરવિંદ કેજરીવાલે શરાબ કૌભાંડ કર્યું અને એક બૉટલ સાથે એક બૉટલ મફત આપી એ માટે તેમને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ.

