Raghu Rai Passes Away: જાણીતા ફોટોગ્રાફર અને જર્નલિસ્ટ રઘુ રાયનું ૮૩ વર્ષની વયે નિધન થયું છે. આજે સવારે દિલ્હીની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં રઘુ રાયે અંતિમ શ્વાસ લીધા હતા.
રઘુ રાય
Raghu Rai Passes Away: જાણીતા ફોટોગ્રાફર અને જર્નલિસ્ટ રઘુ રાયનું ૮૩ વર્ષની વયે નિધન થયું છે. આજે સવારે દિલ્હીની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં રઘુ રાયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે લોધી સ્મશાનગૃહમાં કરવામાં આવશે એવી માહિતી તેમના પુત્ર નીતિન રાયે આપી છે.
કૅન્સરથી પીડાતા હતા રઘુ રાય
ADVERTISEMENT
નીતિન રાયે એમ પણ જણાવ્યું હતું કે તેમના પિતા રઘુ રાય (Raghu Rai Passes Away)ને બે વર્ષથી અગાઉ પ્રોસ્ટેટ કેન્સર હોવાનું નિદાન થયું હતું. સારવાર બાદ તેઓ ઠીક પણ થઈ ગયા હતા. પરંતુ સમય જતાં કેન્સર પેટમાં ફેલાયું હતું તે પણ ઠીક થઈ ગયું હતું. પરંતુ ધીમેધીમે કેન્સરે તેમના મસ્તિષ્કને ભરડામાં લીધું હતું. મગજમાં કેન્સર ફેલાઈ જતાં તેમની તબિયત લથડવા લાગી હતી. વય સંબંધિત સમસ્યાઓ પણ થવા લાગી હતી.
ભોપાલ ગેસ દુર્ઘટનાને પોતાના કેમેરામાં કંડારી હતી
તેમના પરિવારમાં પત્ની ગુરમીત કૌર, ત્રણ પુત્રીઓ લગન, અવની અને પૂર્વાઈ અને પુત્ર નીતિન છે. રઘુ રાય એટલે ભારતીય ફોટોગ્રાફીના જનક. ભોપાલ ગેસ દુર્ઘટનાને પોતાના કેમેરામાં કંડારનાર દિગ્ગજ ફોટોજર્નલિસ્ટનું નિધન થયું છે. રઘુ રાયે દેશના મોટામોટા નેતાઓને પણ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. એ પછી ઈન્દિરા ગાંધી હોય કે મધર ટેરેસા હોય.
રઘુ રાય (Raghu Rai Passes Away)નો જન્મ પંજાબના જંગ વિસ્તારમાં થયો હતો. હાલમાં આ વિસ્તાર પાકિસ્તાનમાં છે. પહેલેથી જ રઘુ રાયને ફોટો ક્લિક કરવાનો ભારે શોખ હતો. આગળ જતાં તેઓએ પોતાના આ જ શોખને પોતાની વ્યાવસાયિક કારકિર્દી તરીકે અપનાવ્યો. તેઓએ પોતાની કારકિર્દીની શરૂઆત 1965માં ફોટોગ્રાફીથી કરી. ત્યારે તેઓની ઉંમર હતી માત્ર 23 વર્ષની. એક વર્ષ પછી તેઓ ધ સ્ટેટ્સમેન અખબારમાં મુખ્ય ફોટોગ્રાફર તરીકે જોડાયા અને લગભગ એક દાયકા સુધી ત્યાં રહ્યા. તેઓએ કોલકાતાથી પ્રકાશિત થતાં સાપ્તાહિક સામયિક સંડેમાં પણ પિક્ચર એડિટર તરીકે કામ કર્યું હતું. 1971માં, સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર હેનરી કાર્ટિયર-બ્રેસને રાયના કામની નોંધ લઈ વિશ્વની બેસ્ટ ફોટોગ્રાફિક સહકારી સંસ્થાઓમાંની એક એવી મેગ્નમ ફોટોઝમાં નોમિનેટ કર્યા. તેમને `મેગ્નમ ફોટોઝ` માં સ્થાન મળ્યું એ કોઈ પણ ભારતીય માટે એક મોટું સન્માન છે.
પદ્મશ્રી મળ્યો હતો
તેઓએ 1980માં સંડે છોડી દઈ ઇન્ડિયા ટુડે જોઇન કર્યું હતું. જ્યાં તેમણે પિક્ચર એડિટર અને ફોટોગ્રાફર (Raghu Rai Passes Away) તરીકે કામ કર્યું. રઘુ રાયે 1984ની ભોપાલ ગેસ દુર્ઘટનાનું દસ્તાવેજીકરણ કર્યું હતું અને બાદમાં તેની પર મોટો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. તેઓએ 18થી પણ વધુ પુસ્તકો લખ્યા છે. તેમનું કાર્ય ટાઇમ, લાઇફ, જીઓ, ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ અને ધ સન્ડે ટાઇમ્સ જેવા આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં પ્રકાશિત થતું રહ્યું છે. રઘુ રાયને 1972માં બાંગ્લાદેશ યુદ્ધના કવરેજ માટે પદ્મશ્રી મળ્યો હતો.
