કસાબે કોર્ટની અવમાનના નહોતી કરી, મેનકાએ કરી
મેનકા ગાંધી
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ તેમના પૉડકાસ્ટમાં રખડતા કૂતરા વિશે સુપ્રીમ કોર્ટના આદેશ વિશે જે ટિપ્પણીઓ કરી હતી એના મુદ્દે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ મેનકા ગાંધી સામે અવમાનનાની કાર્યવાહી કરશે નહીં.
જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન. વી. અંજારિયાની બેન્ચે રખડતા કૂતરાના કેસની સુનાવણી દરમ્યાન ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. મેનકા ગાંધીનું પ્રતિનિધિત્વ કરી રહેલા રામચંદ્રનને સંબોધતાં બેન્ચે કહ્યું હતું કે ‘થોડી વાર પહેલાં તમે કહી રહ્યા હતા કે કોર્ટે સંયમ રાખવો જોઈએ. શું તમને ખબર પડી કે તમારા ક્લાયન્ટ (મેનકા ગાંધી) કેવા પ્રકારનાં નિવેદન આપી રહ્યાં છે? રામચંદ્રને જવાબ આપ્યો કે હું અજમલ કસબ માટે હાજર થયો હતો અને મેનકા ગાંધી માટે પણ હાજર થઈ શકું છું. આના પર બેન્ચે ટિપ્પણી કરી હતી કે અજમલ કસબે કોર્ટની અવમાનના નહોતી કરી, પરંતુ તમારા ક્લાયન્ટે કરી છે.
ADVERTISEMENT
બેન્ચે રાજુ રામચંદ્રનને કહ્યું કે ‘તમારા ક્લાયન્ટે કોર્ટની અવમાનના કરી છે, પરંતુ કોર્ટ એની નોંધ નથી લઈ રહી. તમે કહ્યું હતું કે કોર્ટે એની ટિપ્પણીઓમાં સંયમ રાખવો જોઈએ, પરંતુ શું તમે તમારા ક્લાયન્ટને પૂછ્યું છે કે તેમણે કેવા પ્રકારની ટિપ્પણીઓ કરી છે? શું તમે તેમનું પૉડકાસ્ટ સાંભળ્યું છે? તેમણે વિચાર્યા વિના બધા વિરુદ્ધ ઘણાબધા પ્રકારની વાતો કહી છે.’


