આયુર્વેદ અને યોગ જેવી ઑલ્ટરનેટિવ થેરપી માટે પણ ટૂરિસ્ટોની સંખ્યા વધી રહી છે
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં મેડિકલ ફૅસિલિટીઝનો વ્યાપ અને વિસ્તાર ખૂબ ઝડપથી થઈ રહ્યો છે અને એને કારણે અન્ય દેશોના નાગરિકો પણ ભારત આવીને મેડિકલ ટ્રીટમેન્ટ લેતા હોવાથી તેઓની સંખ્યામાં ખૂબ ઝડપથી વધારો થઈ રહ્યો છે. ભારતમાં પશ્ચિમના દેશો કરતાં હેલ્થકૅર સસ્તી છે. મુંબઈની પ્રૅક્સિસ ગ્લોબલ અલાયન્સ નામની ગ્લોબલ કન્સલ્ટિંગ ફર્મના આંકડાઓ અનુસાર ૨૦૨૨માં મેડિકલ ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી સાત અબજ ડૉલર એટલે કે ૬૦૪ અબજ રૂપિયા જેટલી હતી. ૨૦૧૫થી ૨૦૧૯ દરમ્યાન મેડિકલ ટૂરિસ્ટોની સંખ્યામાં ૩૧ ટકા જેટલો વધારો નોંધાયો હતો. ભલે ૨૦૨૦માં કોવિડને કારણે આ સંખ્યામાં ૭૫ ટકા જેટલો ઘટાડો નોંધાયો હોય, ૨૦૨૩માં મેડિકલ ટૂરિસ્ટોની સંખ્યા પાંચ લાખથી વધુની હતી. ભારતમાં ઇરાક, યમન, મિડલ ઈસ્ટ અને આફ્રિકાથી સૌથી વધુ મેડિકલ ટૂરિસ્ટો આવે છે. એનું કારણ એ છે કે ભારતમાં અમેરિકા અને બ્રિટન કરતાં ખૂબ ઓછા ખર્ચે હાઇલી સ્પેશ્યલાઇઝ્ડ સારવાર મળે છે.
હાર્ટની બાયપાસ સર્જરી જે અમેરિકામાં દોઢ લાખ ડૉલર એટલે કે આશરે સવા કરોડ રૂપિયામાં થાય છે એ ભારતમાં પાંચ હજાર ડૉલર એટલે કે સાડાચાર લાખ રૂપિયામાં થાય છે. આયુર્વેદ અને યોગ જેવી ઑલ્ટરનેટિવ થેરપી માટે પણ ટૂરિસ્ટોની સંખ્યા વધી રહી છે. એ જોતાં પ્રૅક્સિસ ગ્લોબલ અલાયન્સ દ્વારા બહાર પડેલા આંકડાઓ મુજબ ૨૦૨૭ સુધીમાં મેડિકલ ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી ૧૮ બિલ્યન ડૉલર એટલે કે લગભગ ૧,૫૫,૩૭૫ કરોડ રૂપિયા જેટલી થઈ જાય એવી સંભાવનાઓ છે.

