Meerut man tricked into marrying mother-in-law: 22 વર્ષના યુવકને તેની 21 વર્ષની દુલ્હનની માતા સાથે લગ્ન કરાવવા માટે છેતરવામાં આવ્યો હોવાનો આરોપ છે. જ્યારે તેણે છેતરપિંડીનો વિરોધ કર્યો, ત્યારે તેના ભાઈ અને ભાભીએ બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ઉત્તરપ્રદેશના મેરઠમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક 22 વર્ષના યુવકને તેની 21 વર્ષની દુલ્હનની માતા સાથે લગ્ન કરાવવા માટે છેતરવામાં આવ્યો હોવાનો આરોપ છે. ફરિયાદી, 22 વર્ષીય મોહમ્મદ અઝીમ, જે મેરઠના બ્રહ્મપુરીનો રહેવાસી છે, તેણે જણાવ્યું હતું કે તેના લગ્ન શામલી જિલ્લાની મન્તાશા સાથે તેના ભાઈ નદીમ અને તેની પત્ની શૈદા દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા. પોલીસના અહેવાલો અનુસાર લગ્ન ૩૧ માર્ચના રોજ થયા હતા અને લગ્ન સમારંભ દરમિયાન, મૌલવીએ દુલ્હનને તાહિરા તરીકે બોલાવી હતી. જ્યારે મોહમ્મદ અઝીમે દુલ્હનનો બુરખો હટાવ્યો ત્યારે તેને ખબર પડી કે મન્તાશાની ૪૫ વર્ષીય વિધવા માતા દુલ્હનની જગ્યા પર હતી અને તેના લગ્ન મન્તાશાને બદલે તેની માતા સાથે થઈ ગયા હતાં. અઝીમે દાવો કર્યો હતો કે લગ્ન દરમિયાન 5 લાખ રૂપિયાની આપ-લે કરવામાં આવી હતી.
અઝીમે પોલીસને જણાવ્યું હતું કે જ્યારે તેણે છેતરપિંડીનો વિરોધ કર્યો, ત્યારે તેના ભાઈ અને ભાભીએ તેને બળાત્કારના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. બ્રહ્મપુરીના સીઓ સૌમ્ય અસ્થાનાએ જણાવ્યું હતું કે, "સંબંધિત પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે. અઝીમે પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે અને તે હાલમાં કોઈ કાનૂની કાર્યવાહી કરવા માગતો નથી."
પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી
મેરઠ તાજેતરમાં સમાચારોમાં છવાયેલ છે. આવા જ એક ચોંકાવનારા કિસ્સામાં મેરઠના અકબરપુર સદાત ગામમાં, એક મહિલાએ તેના પ્રેમીની મદદથી પોતાના જ પતિની હત્યા કરી અને એવું નાટક રચ્યું જેથી લોકોને લાગે કે તેનું મૃત્યુ સાપ કરડવાથી થયું છે. પોતાનો ગુનો છુપાવવા માટે મૃતક અમિત કશ્યપના પલંગ નીચે સાપ પણ મૂકી દેવામાં આવ્યો હતો. પહેલી નજરે પોલીસને લાગ્યું કે અમિતનું મૃત્યુ સાપના ડંખ મારવાથી જ થયું છે, પરંતુ પરિવારને આ પત્નીએ ઘડેલું કાવતરું હોવાની શંકા હતી. તેમની માગણી પર, અમિત કશ્યપનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને જ્યારે રિપોર્ટ આવ્યો, ત્યારે તેમાં ચોંકાવનારું સત્ય બહાર આવ્યું. રિપોર્ટમાં ખુલાસો થયો કે અમિતનું મૃત્યુ સાપના ડંખથી નહીં પણ ગૂંગળામણથી થયું હતું. આ વાત બહાર આવતાની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી દીધી. અંતે, જ્યારે પોલીસને અમિતની પત્ની રવિતાનું વલણ શંકાસ્પદ લાગ્યું, ત્યારે તેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી. આ પછી તેના પ્રેમી અમરદીપની પણ ધરપકડ કરવામાં આવી. બંનેએ કબૂલાત કરી કે તેમણે અમિતની હત્યા સાથે મળીને કરી હતી અને તેઓ ગેરકાયદેસર સંબંધમાં હતા.
પ્રમી સાથે મળી પતિનો મૃતદેહને ઠેકાણે પાડ્યો
મેરઠના સૌરભનો ભયાનક હત્યાકાંડ હજી પણ ચર્ચામાં છે અને હવે ફરી આ જ શહેરમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાની શોખીન એક મહિલાએ પ્રેમી સાથે મળીને પતિને મૃત્યુને ઘાટ ઉતારી દીધો. એટલું જ નહીં ત્યાર બાદ બન્નેએ મળીને મૃતદેહને ઠેકાણે પાડ્યો. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને પતિએ તેના પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં જોઈ લીધો હતો.

