ત્રણ મકાન, ત્રણ રિક્ષા અને કારનો માલિક : સરાફાબજારમાં વેપારીઓને વ્યાજે પૈસા પણ આપે છે
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરને ભિખારીમુક્ત બનાવવાના અભિયાનમાં એવો એક ભિખારી મળી આવ્યો છે જેની પાસે ૩ મકાન, ૩ રિક્ષા અને એક ડિઝાયર કાર છે છતાં ભીખ માગે છે અને વેપારીઓને વ્યાજે પૈસા પણ આપે છે. સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગની ટીમને ઇન્દોરમાં ભિખારીઓને રસ્તા પરથી હટાવવાના ભાગરૂપે માંગીલાલ નામનો આ ભિખારી ભટકાયો હતો. સરાફાબજાર વિસ્તારમાં વર્ષોથી ભીખ માગતો માંગીલાલ કરોડો રૂપિયાની સંપત્તિનો માલિક છે.
સરાફાબજારની શેરીઓમાં ભીખ માગતો દિવ્યાંગ માંગીલાલ લોકોની સહાનુભૂતિનો લાભ લઈને દરરોજ સેંકડો રૂપિયા કમાઈ રહ્યો હતો. માંગીલાલના મતે તેને લોકો પાસેથી દરરોજ પાંચસોથી ૧૦૦૦ રૂપિયા મળતા હતા, પરંતુ તેની દૈનિક આવક આના કરતાં અનેકગણી વધારે હોવાનો અંદાજ છે. તેણે સરાફાબજાર વિસ્તારના કેટલાક વેપારીઓને ભીખ માગવાથી મળેલા પૈસા વ્યાજ પર પણ આપ્યા હતા.
ADVERTISEMENT
પૂછપરછ દરમ્યાન માંગીલાલે ખુલાસો કર્યો કે શહેરના વિવિધ વિસ્તારોમાં તેની પાસે ૩ પાકાં મકાન છે. એક ઘર ૧૬ બાય ૪૫ ફુટનું ૩ માળનું છે, ૬૦૦ ચોરસફુટનું બીજું ઘર છે અને ૧૦ બાય ૨૦ ફુટના એક બેડરૂમ હૉલ કિચનના ઘરનો પણ સમાવેશ થાય છે. આ ત્રીજું ઘર તો તેને સરકારે રેડ ક્રૉસની મદદથી દિવ્યાંગતાના આધારે આપ્યું હતું. માંગીલાલ પાસે ૩ રિક્ષા પણ છે જે તે ભાડા પર ચલાવે છે. આ ઉપરાંત માંગીલાલ પાસે એક સ્વિફ્ટ ડિઝાયર કાર પણ છે અને એ પણ તે ભાડે આપે છે. માંગીલાલ તેનાં માતા-પિતા સાથે રહે છે. તેના બે ભાઈઓ પણ છે જે અલગ રહે છે.
પૂછપરછ દરમિયાન માંગીલાલે ખુલાસો કર્યો કે તેણે સરાફાબજારમાં ઘણા લોકોને પૈસા ઉછીના આપ્યા છે. તે આ ભંડોળ પર વ્યાજ વસૂલ કરવા માટે બજારની મુલાકાત લે છે. તે એક દિવસ કે એક અઠવાડિયા માટે પૈસા ઉછીના આપે છે અને પછી દરરોજ પૈસા પર વ્યાજ વસૂલ કરવા માટે માર્કેટમાં આવે છે. માર્કેટમાં આવે ત્યારે લોકો તેને ભીખમાં પૈસા આપે છે.


