Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હવાઈ હુમલો થાય તો શું કરશો? કેવી રીતે બચશો?

હવાઈ હુમલો થાય તો શું કરશો? કેવી રીતે બચશો?

Published : 07 May, 2025 07:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આખો દેશ ત્રણ કૅટેગરીમાં વિભાજિત; કૅટેગરી-1માં ૧૩, કૅટેગરી-2માં ૨૦૧ અને કૅટેગરી-3માં ૪૫ વિસ્તારોનો સમાવેશ : મહારાષ્ટ્રમાં મુંબઈ, ઉરણ અને તારાપુર તથા ગુજરાતમાં સુરત, વડોદરા અને કાકરાપાર અતિ સંવેદનશીલ

તસવીર : શાદાબ ખાન

તસવીર : શાદાબ ખાન


આજે ભારતભરમાં ૪ વાગ્યે વાગશે સાઇરન, રાત્રે ૭.૩૦થી ૮ વાગ્યા દરમ્યાન થશે બ્લૅકઆઉટ : દેશભરના ૨૫૯ વિસ્તારોમાં થશે સિવિલ ડિફેન્સ મૉક ડ્રિલ


રેલવેએ કરી ફ્લૅગ માર્ચ




મુંબઈની લાઇફલાઇન ગણાતી રેલવેમાં લાખો લોકો રોજ પ્રવાસ કરે છે ત્યારે તેમની સુરક્ષાની જવાબદારી પણ વધી જાય છે. આજે મૉક ડ્રિલ યોજવામાં આવી છે ત્યારે રેલવે દ્વારા ગઈ કાલે જ મહત્ત્વનાં સ્ટેશનો પર ફ્લૅગ માર્ચ કરવામાં આવી હતી. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT), કુર્લા, લોકમાન્ય તિલક ટર્મિનસ અને અન્ય મહત્ત્વનાં સ્ટેશનો પર યોજાયેલી આ ફ્લૅગ માર્ચમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ, ગવર્નમેન્ટ રેલવે પોલીસ અને તેમની ડૉગ-સ્ક્વૉડના શ્વાન પણ જોડાયા હતા. આજે પણ CSMT, બોરીવલી અને અન્ય મહત્ત્વનાં સ્ટેશનો પર મૉક ડ્રિલ યોજાવાની છે. તસવીરો : શાદાબ ખાન

દેશમાં ૫૪ વર્ષ બાદ સિવિલ ડિફેન્સ મૉક ડ્રિલ- ઘરમાં પૂરતું રૅશન, મીણબત્તી, ટૉર્ચ અને કૅશ રાખવાની સલાહ


પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સાથે તનાવભરી સ્થિતિની વચ્ચે ગૃહમંત્રાલયના આદેશના પગલે દેશમાં આજે ૨૫૯ વિસ્તારોમાં સિવિલ ડિફેન્સ મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન સાથે સંભવિત યુદ્ધની આશંકાના પગલે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને નાગરિકોની સુરક્ષા માટે મૉક ડ્રિલ કરવાનો આદેશ આપ્યો છે.

ગૃહમંત્રાલયે સરહદ પરના અને કિનારાના વિસ્તારોને સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટ તરીકે લિસ્ટ કર્યા છે જે પ્રશાસકીય જિલ્લા કરતાં અલગ છે. એમાં ત્રણ કૅટેગરીમાં વિસ્તારોને વહેંચવામાં આવ્યા છે. કૅટેગરી-વનમાં સૌથી વધારે સંવેદનશીલ, કૅટેગરી-ટૂમાં સંવેદનશીલ અને કૅટેગરી-થ્રીમાં ઓછા સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે. ૨૫૯ સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં ૧૩ કૅટેગરી-1માં, ૨૦૧ કૅટેગરી-2માં અને ૪૫ કૅટેગરી-3માં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં ગઈ કાલે સિવિલ ડિફેન્સ ટીમના વૉલન્ટિયરોએ આજની મૉક ડ્રિલ માટે પ્રૅક્ટિસ કરી હતી.

આ સંદર્ભમાં સિવિલ ડિફેન્સના ઍડિશનલ ડિરેક્ટર બી. સંદીપકૃષ્ણને બીજી મેએ અને પછી પાંચમી મેએ રાજ્યોને પત્ર લખીને મૉક ડ્રિલ કરવા જણાવ્યું હતું.

સિવિલ ડિફેન્સ મૉક ડ્રિલ હવાઈ હુમલાની ચેતવણી પ્રણાલીઓની અસરકારકતા, ઇન્ડિયન ઍર ફોર્સ (IAF) સાથે રેડિયોસંચારના સંચાલન અને નિયંત્રણ-રૂમની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરશે. એ ક્રૅશ બ્લૅકઆઉટ પગલાંની જોગવાઈ, મહત્ત્વપૂર્ણ સ્થાપનોના પ્રારંભિક છદમાવરણનું પરીક્ષણ કરશે અને નાગરિક સંરક્ષણ સેવાઓના પ્રતિભાવની ચકાસણી કરશે. એ સ્થળાંતર-યોજનાઓની તૈયારીઓનું પણ મૂલ્યાંકન કરશે.

ગૃહમંત્રાલયે ૩૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ ૨૫૯ સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટ બનાવ્યા છે. ગઈ કાલે ગૃહમંત્રાલયમાં આયોજિત હાઈ લેવલ મીટિંગમાં મૉક ડ્રિલની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

શ્રીનગરના દલ લેકમાં સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના જવાનોએ લોકોને બચાવવાની ડ્રિલ યોજી હતી.

શું છે ગાઇડલાઇન?

ગૃહમંત્રાલયની ગાઇડલાઇન હેઠળ મેડિકલ કિટ, થોડા દિવસ ચાલે એટલું રૅશન, મીણબત્તી અને ટૉર્ચ ઘરમાં રાખવા જણાવવામાં આવ્યું છે. બ્લૅકઆઉટમાં ડિજિટલ અને મોબાઇલ ટ્રાન્ઝૅક્શન નિષ્ફળ રહી શકે એમ હોવાથી રોકડ રકમ ઘરમાં રાખવા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં ૧૯ વિસ્તારોમાં મૉક ડ્રિલ

કૅટેગરી-1 : સુરત, વડોદરા અને કાકરાપાર

કૅટેગરી-2 : અમદાવાદ, જામનગર, ગાંધીનગર, ભાવનગર, કંડલા, નલિયા, અંકલેશ્વર, ઓખા, વાડીનાર અને ભુજ

કૅટેગરી-3 : ભરૂચ, ડાંગ, કચ્છ, મહેસાણા, નર્મદા અને નવસારી

પ્રયાગરાજમાં પોલીસના જવાનોએ ગઈ કાલે ઘાયલોને હૉસ્પિટલમાં પહોંચાડવાની ડ્રિલ યોજી હતી.

મહારાષ્ટ્રના ૧૬ વિસ્તારોમાં મૉક ડ્રિલ

કૅટેગરી-1 : મુંબઈ, ઉરણ અને તારાપુર

કૅટેગરી-2 : થાણે, પુણે, નાશિક, રોહા-નાગોઠણે, મનમાડ, સિન્નર, થલ, પિંપરી-ચિંચવડ

કૅટેગરી-3 : છત્રપતિ સંભાજીનગર, ભુસાવળ, રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ

સિવિલ ડિફેન્સ મૉક ડ્રિલનો મુખ્ય ઉદ્દેશ

ઍર રેઇડ વૉર્નિંગ સિસ્ટમ વખતે અલર્ટનેસ ચેક કરવી

ઇન્ડિયન ઍરફોર્સ સાથે હૉટલાઇન અને રેડિયો કમ્યુનિકેશન જોડવું

મેઇન અને સહયોગી કન્ટ્રોલ-રૂમની વર્કિંગ યોગ્ય છે એ સુનિશ્ચિત કરવું

હુમલો થાય એવી સ્થિતિમાં નાગરિકો અને સ્ટુડન્ટ્સને પોતાની સુરક્ષા કરવાનું શીખવવું

હુમલો થાય એવી પરિસ્થિતિમાં લોકોને સુરક્ષિત રીતે કાઢવાનો પ્લાન અને એનું અમલીકરણ ચેક કરવું

બ્લૅકઆઉટ વખતે ઉઠાવવામાં આવનારાં પગલાંની સમીક્ષા કરવી

બ્લૅકઆઉટની સ્થિતિમાં શું કરવાનું છે એની જાણકારી આપવી

મહત્ત્વપૂર્ણ સંસ્થાનો અને મોટા પ્લાન્ટ્સને કેવી રીતે છુપાવવા એ બતાવવું

સિવિલ ડિફેન્સ સિસ્ટમને ઍક્ટિવેટ કરવી, ઇમર્જન્સીમાં નાગરિકોની મદદ કરનારી ટીમ, ફાયર ફાઇટર્સ અને રેસ્ક્યુ ઑપરેશનનું મૅનેજમેન્ટ ચકાસવું

આજની મૉક ડ્રિલમાં નાગરિકોએ શું કરવાનું રહેશે

  • હવાઈ હુમલો થાય ત્યારે જે સાઇરન વાગે એ વગાડવામાં આવશે,
    એ મૉક ડ્રિલમાં વખતે પૅનિક ન થતાં પ્રશાસને જે સૂચનાઓ આપી હોય એનું પાલન કરવું.
  • સાઇરન વાગે એટલે ખુલ્લી જગ્યામાંથી ખસી જઈને નજીકની ઇમારતમાં ચાલ્યા જવું, જો નજીકમાં બંકર હોય તો એમાં જવું.
  • મૉક ડ્રિલ વખતે ક્રૅશ બ્લૅકઆઉટ થશે. ઘરનાં બારી-બારણાં બંધ કરી પડદા નાખી દેવા, ઘરની લાઇટ બુઝાવી દેવી. રસ્તા પર પણ જો વાહન ચલાવતા હો તો એ સાઇડમાં લઈ પાર્ક કરી લાઇટ ઑફ કરી દેવી.
  • મૉક ડ્રિલમાં યુદ્ધની પરિસ્થિતિમાં કઈ રીતે બચવું એની ટ્રેઇનિંગ આપવામાં આવશે તો એમાં ભાગ લેવો અને સમજી લેવું.
  • મૉક ડ્રિલમાં ઇમર્જન્સી એક્ઝિટની પ્રૅક્ટિસ કરાવવામાં આવશે. લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાશે. એ વખતે શાંતિ રાખવી. તમારા ઘર-ઑફિસની આજુબાજુમાં કઈ જગ્યા સુરક્ષિત છે એ નક્કી કરી રાખો.
  • ટીવી, રેડિયો અને સરકારી અલર્ટ પર ધ્યાન આપો. મૉક ડ્રિલ વખતે મહત્ત્વની સૂચનાઓ આપવામાં આવે છે. આવા સમયે અફવાઓ પર ધ્યાન ન આપતાં ઑથેન્ટિક સ્રોત પાસેથી જ માહિતી લો.
  • મૉક ડ્રિલમાં ઇમર્જન્સી કિટ વિશે માહિતી આપવામાં આવશે. એ કિટમાં પાણી, ફર્સ્ટ એઇડ બૉક્સ, ટૉર્ચ, બૅટરી, મહત્ત્વના દસ્તાવેજોની કૉપી, વધારાનાં કપડાં અને બેડિંગનો સમાવેશ થાય છે. વળી આ કિટ કટોકટીના સમયે
    તરત મળે એવી જગ્યાએ રાખવાની ટ્રેઇનિંગ અપાશે.
  • સ્થાનિક પ્રશાસન, પોલીસ, હોમગાર્ડ જે પણ તમને મદદ કરતું હોય તેમને કો-ઑપરેટ કરવું. જો આજુબાજુમાં સિનિયર સિટિઝન રહેતા હોય તો તેમને મદદ કરવી.
  • બાળકોને પણ ત્રૂટક માહિતી આપી રાખવી જેથી સાઇરન વાગે ત્યારે લાઇટ જાય તો તેઓ ગભરાય નહીં.
  • સોશ્યલ મીડિયા પર ફરતી માહિતીઓને સાચી ન માનવી, ફક્ત સરકારી મીડિયામાં જે સૂચનાઓ આવે એનું પાલન કરવું.
Whatsapp-channel Whatsapp-channel

07 May, 2025 07:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK