દેશનાં ૧૨૫ શહેરોમાં બૅન્ગલોર ટૉપ પર, એ પછી ચેન્નઈ, પુણે અને હૈદરાબાદ
પ્રતીકાત્મક તસવીર
ભારતની મહિલાઓ માટે રહેવા અને કામ કરવા માટે સારું વાતાવરણ ધરાવતાં અને સુરક્ષાની દૃષ્ટિ પણ બેસ્ટ હોય એવાં શહેરોની યાદીમાં મુંબઈ કેટલામાં સ્થાને હશે કલ્પી શકો છો? ટૉપ સિટીઝ ફૉર વિમેન ઇન ઇન્ડિયા (TCWI)ના રિપોર્ટમાં દેશનાં ૧૨૫ શહેરોને વુમન-સેફ્ટી, વર્કિંગ મહિલાઓની સ્થિતિ અને બીજી બાબતો પર મૂલવીને ટૉપ ૧૦ શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. આ લિસ્ટમાં બૅન્ગલોર અને ચેન્નઈ મહિલાઓ માટે ભારતનાં બેસ્ટ સિટીઝ તરીકે ઊભરી આવ્યાં છે. આ રિપોર્ટમાં મુંબઈ પાંચમા નંબરે છે, જ્યારે દિલ્હી ટૉપ ૧૦ના લિસ્ટમાંથી બહાર ફેંકાઈ ગયું છે. અમદાવાદ આ લિસ્ટમાં આઠમા નંબરે છે.
પાછલાં ૪ વર્ષથી બહાર પાડવામાં આવી રહેલા આ રિપોર્ટમાં શહેરોમાં મહિલાઓની સુરક્ષા, મહિલાઓ માટેની ફૅસિલિટીઝ, હેલ્થ, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મહિલાઓ માટે સુવિધા ઉપરાંત રોજગારીની તક, વર્કપ્લેસમાં મહિલાઓની સ્થિતિ અને વિમેન ઑન્ટ્રપ્રનરને મળતા સમર્થન વગેરે બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. આ તમામ પાસાંઓના અભ્યાસ પછી શહેરોને દરેક બાબત માટે સ્કોર આપીને રૅન્કિંગ નક્કી કરવામાં આવે છે. બૅન્ગલોર ૫૩.૨૯ના સ્કોર સાથે રૅન્કિંગમાં ટોચ પર અને ચેન્નઈ ૪૯.૮૬ સાથે બીજા નંબરે છે. એ પછી પુણે (૪૬.૨૭), હૈદરાબાદ (૪૬.૦૪) અને મુંબઈ (૪૪.૪૯) છે.
ADVERTISEMENT
દિલ્હી પહેલી વાર ટોચનાં ૧૦ શહેરોમાંથી બહાર ફેંકાઈ ગયું છે અને આ વર્ષના રિપોર્ટમાં અગિયારમાં નંબરે છે. ૨૦૨૨ના લિસ્ટમાં ટોચનાં ૨૦ શહેરોમાં પણ જેનું સ્થાન નહોતું એવું ગુડગાંવ છઠ્ઠા નંબરે આવી ગયું છે. તામિલનાડુનાં ૭ શહેરો ટૉપ ટ્વેન્ટી ફાઇવમાં સ્થાન ધરાવે છે.


