નરેન્દ્ર મોદીએ સત્ય સાંઈબાબાની શતાબ્દી ઉજવણીમાં હાજરી આપી
સત્ય સાંઈબાબાના જન્મશતાબ્દી સમારોહમાં નરેન્દ્ર મોદીએ સ્મારક સિક્કો અને ટપાલટિકિટ બહાર પાડ્યાં હતાં. ઍક્ટ્રેસ ઐશ્વર્યા રાય આ સમારોહમાં મંચ પર આવીને નરેન્દ્ર મોદીને પગે લાગી હતી. આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ નરેન્દ્ર મોદીને લક્ષ્મી નરસિંહાસ્વામીની લાકડાની મૂર્તિ આપીને સન્માન કર્યું હતું.
આંધ્ર પ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વર્ગસ્થ આધ્યાત્મિક ગુરુ શ્રી સત્ય સાંઈબાબાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સત્ય સાંઈબાબાના જન્મશતાબ્દી સમારોહ પ્રસંગે નરેન્દ્ર મોદીએ તેમની યાદમાં એક સિક્કો અને ટપાલટિકિટનો સેટ પણ બહાર પાડ્યો. આ કાર્યક્રમ દરમ્યાન નરેન્દ્ર મોદીના કપાળ પર સફેદ તિલક દેખાતું હતું. આધ્યાત્મિક ગુરુને યાદ કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે તેમના ઉપદેશો અને સેવા હંમેશાં વિશ્વભરના ૧૪૦ દેશોમાં રહેલા તેમના લાખો અનુયાયીઓને માર્ગદર્શન આપે છે.
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુ, નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણ, ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકર, ઍક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન અને અન્ય ઘણી અગ્રણી હસ્તીઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહી હતી.
ADVERTISEMENT
પ્રેમ અને સેવાની ભાવના
સત્ય સાંઈબાબાને યાદ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘શ્રી સત્ય સાંઈબાબાનો શતાબ્દી સમારોહ ફક્ત એક ઉજવણી નથી, એક દૈવી આશીર્વાદ છે. ભલે સાંઈબાબા હવે આપણી વચ્ચે ભૌતિક રીતે હાજર નથી, તેમની પ્રેમ અને સેવાની ભાવના લાખો લોકો માટે માર્ગદર્શક શક્તિ બની રહે છે. સાંઈબાબાના ઉપદેશો ૧૪૦ દેશોમાં લાખો ભક્તોને નવો પ્રકાશ અને દિશા આપી રહ્યા છે. તેમના અનુયાયીઓ સતત વધી રહ્યા છે.’
માનવજીવન પર ફોકસ
વડા પ્રધાને કહ્યું હતું કે ‘શ્રી સત્ય સાંઈબાબાએ સેવાને માનવજીવનના કેન્દ્રમાં સ્થાન આપ્યું હતું. આપણી વિવિધ આધ્યાત્મિક અને દાર્શનિક પરંપરાઓ એક જ વિચાર તરફ દોરી જાય છે; પછી ભલે કોઈ ભક્તિ, જ્ઞાન કે કર્મના માર્ગ પર ચાલે.’
માનવસેવા એ જ ભગવાનની સેવા : ઐશ્વર્યા રાય બચ્ચન
આ પ્રસંગે ઉપસ્થિત ઍક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચને કહ્યું હતું કે ‘આજે આપણે શ્રી સત્ય સાંઈબાબાનાં ૧૦૦ વર્ષ પૂરાં થવાનો જશન મનાવી રહ્યા છીએ ત્યારે તેમના દિવ્ય સંદેશ પ્રત્યે ફરીથી જાતને સમર્પિત કરીએ. બધાને પ્રેમ કરો, બધાની સેવા કરો. જાતિ એક જ છે, માનવતાની જાતિ; ધર્મ એક જ છે, પ્રેમનો ધર્મ; ભાષા એક જ છે, હૃદયની ભાષા અને ઈશ્વર એક જ છે અને એ સર્વવ્યાપી છે. આ કાર્યક્રમમાં હાજર રહેવા અને આ ખાસ પ્રસંગને માણવા માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માનું છું. હું તમારા પ્રેરણાદાયક, માર્ગદર્શક અને શક્તિશાળી વિચારો સાંભળવા માટે આતુર છું. તમારી હાજરી આ શતાબ્દી ઉજવણીને ખાસ બનાવે છે અને આપણને સ્વામીના સંદેશની યાદ અપાવે છે કે સાચું નેતૃત્વ સેવા છે અને માનવતાની સેવા કરવી એ ભગવાનની સેવા છે. ભગવાન શ્રી સત્ય સાંઈબાબા ઘણી વાર પાંચ ‘D’ વિશે વાત કરતા હતા : ડિસિપ્લિન (શિસ્ત), ડેડિકેશન (સમર્પણ), ડિવોશન (ભક્તિ), ડિટર્મિનેશન (નિશ્ચય) અને ડિસ્ક્રિશન (વિવેક). આ પાંચ ગુણો જીવનને અર્થપૂર્ણ, હેતુપૂર્ણ અને આધ્યાત્મિક રીતે મજબૂત બનાવે છે.’
સત્ય સાંઈબાબા કોણ હતા?
સત્ય સાંઈબાબાનો જન્મ ૧૯૨૬ની ૨૩ નવેમ્બરે આંધ્ર પ્રદેશના પુટ્ટપર્થી ગામમાં સત્યનારાયણ રાજુ તરીકે થયો હતો. તેઓ માત્ર ૧૪ વર્ષના હતા ત્યારે તેમણે પોતાને શિર્ડીના સાંઈબાબાનો અવતાર જાહેર કર્યો અને પોતાનું આખું જીવન લોકોની સેવામાં સમર્પિત કર્યું. તેઓ માનતા હતા કે ભગવાન દરેક જીવમાં રહે છે અને તેથી માનવતાની સેવા કરવી એ ભગવાનની સેવા છે. શ્રી સત્ય સાંઈબાબાએ ૮૪ વર્ષની વયે ૨૦૧૧ની ૨૦ એપ્રિલે અંતિમ શ્વાસ લીધા હતા. શ્રી સત્ય સાંઈબાબાના અનુયાયીઓમાં ઘણી અગ્રણી હસ્તીઓનો સમાવેશ થાય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે શ્રી સત્ય સાંઈબાબાને મળ્યા હતા. શતાબ્દી ઉજવણીમાં ભાગ લેતાં પહેલાં તેમણે તેમના જૂના ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા.