અગાઉના વર્ષે દેશમાં ૨૭૯.૭ લાખ મેટ્રિક ટન સાકરનું ઉત્પાદન થયું હતું, જેની સરખામણીમાં આ વર્ષે ૧૪.૫ લાખ મેટ્રિક ટનનો ઘટાડો થવાનો અંદાજ છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઓછા વરસાદને કારણે મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં શેરડીની ઊપજ ઘટવાની શક્યતા હોવાથી ૨૦૨૬-૨૭ની વર્તમાન સીઝનમાં ભારતનું સાકરનું ઉત્પાદન ઘટીને એક દાયકાના સૌથી નીચા સ્તરે પહોંચી શકે છે. ઉદ્યોગ સંગઠન ઇન્ડિયન શુગર ઍન્ડ બાયો-એનર્જી મૅન્યુફૅક્ચરર્સ અસોસિએશન (ISMA)એ બુધવારે આ અંદાજ વ્યક્ત કર્યો હતો.
ISMAએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે ૧ ઑક્ટોબરથી શરૂ થયેલી વર્તમાન સીઝનમાં સાકરનું ઉત્પાદન ઘટીને ૨૬૫.૨ લાખ મેટ્રિક ટન રહેવાની ધારણા છે. અગાઉના વર્ષે દેશમાં ૨૭૯.૭ લાખ મેટ્રિક ટન સાકરનું ઉત્પાદન થયું હતું, જેની સરખામણીમાં આ વર્ષે ૧૪.૫ લાખ મેટ્રિક ટનનો ઘટાડો થવાનો અંદાજ છે.
ADVERTISEMENT
મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં વરસાદની અછતને લીધે શેરડીના પાકની ઉત્પાદકતાને માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. એના કારણે સાકરના એકંદર ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થશે, જે છેલ્લાં ૧૦ વર્ષનું સૌથી નીચું સ્તર બની રહેશે. એના કારણે સાકરની કિંમતોમાં પણ ભડકો જોવા મળી શકે છે; જેથી દૂધ, પેટ્રોલ સહિતની રસોડાની વસ્તુઓ બાદ હવે સાકર પણ ગૃહિણીનો સ્વાદ બગાડી શકે છે.
ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં વાહનોએ વીમાનું ઊંચું પ્રીમિયમ આપવું પડી શકે
દેશના રસ્તાઓ પર દોડતાં અંદાજે ૧૯ ટકા વાહનો પાસે હાલ માન્ય વીમો નથી. એમને વીમાકવચ હેઠળ લાવવા કેન્દ્ર સરકાર ‘નો ઇન્શ્યૉરન્સ, નો ફ્યુઅલ’, બહુ-વર્ષીય પૉલિસી માટે સિંગલ પ્રીમિયમ અને વીમા-પ્રીમિયમને ટ્રાફિક-નિયમોના ભંગ સાથે જોડવા સહિતનાં પગલાં પર વિચાર કરી રહી છે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય પાછલા વર્ષે વાહનમાલિક સામે નોંધાયેલાં ટ્રાફિક ચલાનના આધારે પ્રીમિયમ નક્કી કરવાની યોજના બનાવી રહ્યું છે. વારંવાર નિયમ તોડતા કાર અને ટૂ-વ્હીલર ચાલકોએ વધુ પ્રીમિયમ ચૂકવવું પડશે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનો સહિત અમુક શ્રેણીનાં વાહનોના બેઝ વીમાદરોમાં સુધારો કરવા પણ વિચારણા ચાલી રહી છે. તાજેતરના આંકડા મુજબ, દેશનાં ૮૧ ટકા અર્થાત્ ૨૫ કરોડ વાહનો પાસે માન્ય વીમો છે, જેમાં ૮૮ ટકા કાર, ૯૦ ટકાથી વધુ ભારે કમર્શિયલ વાહનો અને ૮૦ ટકા ટૂ-વ્હીલર સામેલ છે. વીમાધારકોની સંખ્યા વધારવા કાર માટે ૪ વર્ષ અને ટૂ-વ્હીલર માટે ૬ વર્ષની પૉલિસીમાં સિંગલ પ્રીમિયમ લાવવાની પણ તૈયારી છે.
ગૌતમ અદાણી પણ ખિસ્સામાં કાંસકો રાખે છે

મુંબઈ યુનિવર્સિટીના કાલિના કૅમ્પસમાં આયોજિત મુંબઈ બુક ફેસ્ટિવલની ગઈ કાલે અદાણી ગ્રુપના ચીફ ગૌતમ અદાણીએ મુલાકાત લીધી હતી. આ વિઝિટ વખતે ગૌતમભાઈ ખિસ્સામાંથી કાંસકો કાઢીને પોતાના વાળ ઓળતા નજરે પડ્યા હતા.
કલવામાં ૪૦ ફુટ ઊંડા કૂવાનો તળિયાનો ભાગ ધસી પડ્યો
કૂવાનું બાકીનું માળખું અત્યંત જોખમી હોવાથી આસપાસ બૅરિકેડ્સ લગાવીને બાજુનાં પાંચ મકાનોનો વીજપુરવઠો બંધ કરાયો

કૂવાનો ધસી પડેલો ભાગ
થાણે જિલ્લાના કલવા વિસ્તારમાં બુધવારે આશરે ૪૦ ફુટ ઊંડા કૂવાના તળિયા નજીકનો ભાગ ધસી પડ્યો હતો જેના કારણે કૂવાનું બાકીનું માળખું અત્યંત જોખમી સ્થિતિમાં મુકાઈ ગયું હતું.
બપોરે આશરે ૧૨ વાગ્યે બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના અધિકારીઓના જણાવ્યા મુજબ ભાસ્કરનગરમાં માર્કેટ નજીક બનેલી આ ઘટનાની માહિતી બપોરે ૧૨.૧૦ વાગ્યે મળી હતી. થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ના રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ (RDMC)ના વડા યાસીન તડવીએ જણાવ્યું હતું કે ‘એક ચાલી નજીક આવેલા કૂવાના તળિયા પાસેનો ભાગ ધસી પડ્યો છે અને કૂવાનો બાકીનો હિસ્સો અત્યંત જોખમી હાલતમાં છે. એથી સાવચેતીના પગલારૂપે કૂવાની આસપાસ સુરક્ષા બૅરિકેડ્સ લગાવી દેવામાં આવ્યાં છે. આ ઉપરાંત કૂવાને અડીને આવેલાં પાંચ બાંધકામોનાં ઇલેક્ટ્રિક મીટર બૉક્સ હટાવી લેવામાં આવ્યાં છે અને એ એકમોનો વીજપુરવઠો કાપી નાખવામાં આવ્યો છે.
પુણેમાં બસ-સ્ટૉપ પર ઊભેલા વિદ્યાર્થીઓને બેકાબૂ ટેમ્પોએ અડફેટે લીધા, ત્રણનાં મોત
પુણેના બહારના વિસ્તારમાં બુધવારે બપોરે એક કૉલેજના બસ-સ્ટૉપ પર ઊભેલા વિદ્યાર્થીઓને પૂરપાટ ઝડપે આવતા ટેમ્પોએ અડફેટે લેતાં ત્રણ વિદ્યાર્થીઓનાં મોત થયાં હતાં અને અન્ય બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા એમ પોલીસે જણાવ્યું હતું. બુધવારે બપોરે અઢી વાગ્યે યેવલેવાડી વિસ્તારમાં આવેલી ટ્રિનિટી કૉલેજ ઑફ એન્જિનિયરિંગ ઍન્ડ રિસર્ચની બહારના બસ-સ્ટૉપ પર વિદ્યાર્થીઓ બસની રાહ જોતા ઊભા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. બોપદેવ ઘાટ પરથી નીચે ઊતરી રહેલા એક ટેમ્પોએ આગળ જઈ રહેલી કારને ટક્કર મારી હતી. એને કારણે ટેમ્પોના ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કૉલેજના મુખ્ય ગેટ પાસેના બસ-સ્ટૉપ પર ઊભેલા વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા.
ભારતને બાહ્ય દુશ્મનો કરતાં આંતરિક જોખમોથી વધુ સાવચેત રહેવાની જરૂર : ડૉ. મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘસંચાલક ડૉ. મોહન ભાગવતે બુધવારે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ભારતને બાહ્ય દુશ્મનો કરતાં આંતરિક જોખમોથી વધુ સતર્ક રહેવાની જરૂર છે. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં પાંચમા પદ્મા ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહમાં બોલતાં તેમણે કહ્યું કે આજના યુવાનોને જૂઠાણું પસંદ નથી અને તેઓ સાચું બોલનારાઓની સાથે ઊભા રહેવા તૈયાર રહે છે, યુવા પેઢી ગુલામીની માનસિકતામાંથી બહાર આવી ચૂકી છે અને દેશને મહાન બનાવવા ઇચ્છે છે.ભારતની વિચારસરણી સૌથી અલગ છે અને એ નફરત કરનારા પડોશી દેશો સહિત સૌની મદદ કરવા માગે છે એમ જણાવતાં ડૉ. મોહન ભાગવતે કહ્યું હતું કે જો ભારત આગળ વધશે તો શક્તિશાળી દેશોની દુકાનો બંધ થઈ જશે, કારણ કે ભારત માને છે કે શક્તિનો ઉપયોગ નબળા લોકોની રક્ષા અને શાંતિ સ્થાપવા થવો જોઈએ.
