લોકોને કરકસર કરવાનું કહેતા વડા પ્રધાન પોતે કેમ કારનો કાફલો લઈને નીકળે છે? : અંજલિ દમણિયા
રાહુલ ગાંધી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં એક કાર્યક્રમ દરમ્યાન દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવાની, બિનજરૂરી વિદેશપ્રવાસ ટાળવાની અને સોનાની ખરીદી એક વર્ષ માટે રોકી દેવાની જે અપીલ કરી છે એના પર વિપક્ષી નેતાઓએ આકરા પ્રહારો કર્યા છે. કૉન્ગ્રેસ, TMC, સમાજવાદી પાર્ટી અને શિવસેના (UBT)એ આને સરકારની આર્થિક નીતિઓની નિષ્ફળતા ગણાવી છે.
કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને આકરા પ્રહાર કર્યા હતા. તેમણે લખ્યું હતું કે ‘મોદીજીએ ગઈ કાલે જનતા પાસે બલિદાન માગ્યું : સોનું ન ખરીદો, વિદેશ ન જાઓ, પેટ્રોલ ઓછું વાપરો. આ કોઈ ઉપદેશ નથી, આ નિષ્ફળતાના પુરાવા છે. ૧૨ વર્ષમાં તેમણે દેશને એવી સ્થિતિમાં લાવી દીધો છે કે હવે જનતાએ શું ખરીદવું અને ક્યાં જવું એ પણ સરકારે કહેવું પડે છે. જવાબદારીમાંથી બચવા માટે તેઓ હંમેશાં જનતા પર બોજ નાખે છે. દેશ ચલાવવો એ હવે આ કૉમ્પ્રોમાઇઝ્ડ પ્રાઇમ મિનિસ્ટરના વશની વાત નથી.’
ADVERTISEMENT
બીજી તરફ સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે કટાક્ષ કરતાં કહ્યું હતું કે ‘બધી જ પાબંદીઓ ચૂંટણી પછી જ કેમ યાદ આવી છે? BJPના નેતાઓએ પ્રચાર વખતે જે હજારો ચાર્ટર્ડ હવાઈ યાત્રાઓ કરી એ શું પાણીથી ઊડી રહી હતી? તેઓ શું હોટેલોમાં રોકાણ નહોતા કરી રહ્યા કે પછી સિલિન્ડરનો ફોટો જોઈને રસોઈ બનાવી રહ્યા હતા? BJPએ ચૂંટણીમાં વિડિયો-કૉન્ફરન્સિંગથી પ્રચાર કેમ ન કર્યો? બધી પાબંદીઓ જનતા માટે જ છે?’
શિવસેના (UBT)નાં નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ નરેન્દ્ર મોદીનાં સૂચનો પર તીખી પ્રતિક્રિયા આપતાં કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરી છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર પોસ્ટ કરતાં પ્રિયંકા ચતુર્વેદીએ લખ્યું હતું કે ‘રૂપિયો સતત ગબડી રહ્યો છે, પરંતુ કેન્દ્ર સરકાર કોઈ નક્કર આર્થિક નીતિ બનાવવાને બદલે જનતાને માત્ર સૂચનો આપી રહી છે. સરકાર એવું કહેવા માગે છે કે રૂપિયો નથી ગબડી રહ્યો પણ ડૉલર મજબૂત થઈ રહ્યો છે. સરકાર નીતિઓ ઘડવાને બદલે લોકોને વિદેશપ્રવાસ ટાળવા અને સોનું ન ખરીદવા જેવી અપીલ કરીને પોતાની જવાબદારીમાંથી છટકી રહી છે.’
લોકોને કરકસર કરવાનું કહેતા વડા પ્રધાન પોતે કેમ કારનો કાફલો લઈને નીકળે છે? : અંજલિ દમણિયા
મિડલ ઈસ્ટની કટોકટીને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરકસરનાં કેટલાંક પગલાં સૂચવ્યાં છે એના પર પ્રતિભાવ આપતાં મુંબઈના સામાજિક કાર્યકર અંજલિ દમણિયાએ ડાયરેક્ટ વડા પ્રધાનને જ સલાહસૂચન કર્યાં છે. તેમણે કહ્યું હતું કે ‘લોકોને કરકસર કરવાનું કહેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી એની શરૂઆત પોતાનાથી અને પોતાના પક્ષથી કરે. તેઓ ચાર્ટર્ડ ફ્લાઇટમાં પ્રવાસ ન કરે. રૅલીમાં તેમનો જે ૪૦-૫૦ વાહનનો કાફલો હોય છે એ ટાળે અને સભા માટે ઝૂમ ઍપનો ઉપયોગ કરે.’
