વ્યાપક હિંસાનાં બે વર્ષ પછી વડા પ્રધાનની પ્રથમ મુલાકાત : રાજ્યમાં વડા પ્રધાન ૮૫૦૦ કરોડના પ્રોજેક્ટ્સનું અનાવરણ અને વિસ્થાપિતો સાથે સંવાદ કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૩ સપ્ટેમ્બરે મણિપુરની મુલાકાત લેશે અને ચુરાચંદપુર અને ઇમ્ફાલમાં આંતરિક રીતે વિસ્થાપિત લોકો સાથે સંવાદ કરશે. બે વર્ષ પહેલાં રાજ્યમાં વંશીય હિંસા ફાટી નીકળ્યા પછી વડા પ્રધાનની મણિપુરની આ પહેલી મુલાકાત હશે. વડા પ્રધાન ૮૫૦૦ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું પણ અનાવરણ કરશે. રાજ્યની મુલાકાત દરમ્યાન વડા પ્રધાન બે રૅલીઓને સંબોધિત કરશે.
વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મણિપુરના સમાવેશી, ટકાઉ અને સર્વાંગી વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અનુસાર વડા પ્રધાન ચુરાચંદપુર ખાતે ૭૩૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ-પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. ઇમ્ફાલમાં ૧૨૦૦ કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરશે. વડા પ્રધાનની મણિપુર મુલાકાત રાજ્યમાં શાંતિ, સામાન્યતા અને ઝડપી વિકાસનો માર્ગ મોકળો કરશે એવું સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું.

