મનરેગા બચાવો આંદોલનમાં રાહુલ ગાંધીએ માથે ગમછો લગાવીને અને હાથમાં કોદાળી લઈને શ્રમિકોને કર્યું સંબોધન
ગઈ કાલે દિલ્હીમાં યોજાયેલા શ્રમિક સંમેલનમાં માથે ગમછો અને હાથમાં કોદાળી સાથે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે.
કૉન્ગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ નવી દિલ્હીમાં યોજાયેલા શ્રમિક સંમેલનમાં ‘વિકસિત ભારત-જી રામજી અધિનિયમ’ પર કેન્દ્ર સરકાર પર આરોપોની ઝડી વરસાવી હતી. કૉન્ગ્રેસે કહ્યું હતું કે ‘મનરેગા (મહાત્મા ગાંધી નૅશનલ રૂરલ એમ્પ્લૉયમેન્ટ ગૅરન્ટી ઍક્ટ-MGNREGA) ખતમ કરી દેવો એ ગરીબોને બંધુઆ મજૂર બનાવવાનું ષડયંત્ર છે. ૨૮ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા બજેટસત્ર દરમ્યાન અમે આ મુદ્દો ઉઠાવીશું.’
સંમેલનમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે મજૂરોની જેમ માથે ગમછો લગાવીને અને હાથમાં કોદાળી પકડીને આવ્યા હતા. મજૂરો દેશભરમાંથી જે થોડી-થોડી માટી લાવ્યા હતા એને એક કૂંડામાં નાખીને એમાં છોડ ઉગાડવામાં આવ્યો હતો. રાહુલ ગાંધીએ મજૂરોને સંબોધીને કહ્યું હતું કે ‘મનરેગા ગરીબોને અધિકાર આપવા માટેની યોજના હતી, તમામ ગરીબોને મનરેગા અંતર્ગત કામ કરવાનો અધિકાર હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને BJPએ એ કન્સેપ્ટ જ ખતમ કરી નાખ્યો છે. મનરેગા ગ્રામીણ ભારતની જીવનરેખા છે. એને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. દેશના તમામ હિસ્સાઓમાં કૉન્ગ્રેસ પાર્ટી મનરેગાને બચાવવા માટે ઉગ્ર આંદોલન કરવા જઈ રહી છે.’


