આ મુદ્દે BJPના નેતા સુરેશ નખુઆએ કહ્યું હતું કે રાહુલ ગાંધી હવે સશસ્ત્ર દળોમાં જાતિ શોધી રહ્યા છે.
રાહુલ ગાંધી
કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ મંગળવારે બિહારના ઔરંગાબાદમાં ચૂંટણીપ્રચાર સભામાં વિવાદિત નિવેદન કરતાં કહ્યું હતું કે ‘દેશની માત્ર ૧૦ ટકા વસ્તી (એટલે કે ઉચ્ચ જાતિઓ)ને કૉર્પોરેટ ક્ષેત્રો, નોકરશાહી અને ન્યાયતંત્રમાં તકો મળે છે. સેના પણ તેમના નિયંત્રણ હેઠળ છે. સેના દેશની ૧૦ ટકા વસ્તીના નિયંત્રણ હેઠળ છે. બાકીના ૯૦ ટકા એટલે કે પછાત વર્ગો, દલિતો, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય લઘુમતીઓ ક્યાંય દેખાતા નથી.’
રાષ્ટ્રીય જાતિ વસ્તીગણતરી માટેની માગણીના સમર્થનમાં બોલતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘આવી ગણતરી સિસ્ટમની બહાર બેઠેલા ૯૦ ટકા ભારતીયોને ઓળખશે અને તેમના અધિકારો અને બંધારણીય ગૅરન્ટીઓનું રક્ષણ કરવા માટે પગલાં લેશે. અમને ડેટા જોઈએ છે. કેટલા દલિતો, OBC (અધર બૅકવર્ડ ક્લાસ), મહિલાઓ, લઘુમતીઓ છે. અમે જાતિ વસ્તીગણતરીની આ માગણી દ્વારા બંધારણનું રક્ષણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જો ૯૦ ટકા લોકોને ભાગીદારીના અધિકારો ન હોય તો બંધારણનું રક્ષણ થઈ શકે નહીં.’ આ મુદ્દે BJPના નેતા સુરેશ નખુઆએ કહ્યું હતું કે રાહુલ ગાંધી હવે સશસ્ત્ર દળોમાં જાતિ શોધી રહ્યા છે.
ADVERTISEMENT
રક્ષાપ્રધાન રાજનાથ સિંહનો પલટવાર ઃ સેનામાં અરાજકતા ફેલાવવા માગે છે રાહુલ ગાંધી
સશસ્ત્ર દળોમાં આરક્ષણની માગણી કરવાના રાહુલ ગાંધીના નિવેદન પર રક્ષાપ્રધાન રાજનાથ સિંહે ગઈ કાલે લાલ આંખ કરતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના નેતા સેનામાં આરક્ષણની માગણી કરીને દેશમાં અને સેનામાં અરાજકતા ફેલાવવાની કોશિશ કરી રહ્યા છે. જ્યારે પણ દેશ પર સંકટ આવ્યું છે ત્યારે આપણા સૈનિકોએ બહાદુરી અને પરાક્રમથી ભારતનું માથું ગૌરવથી ઊંચું કર્યું છે. આપણી સેનાને રાજનીતિમાં ઢસડવાની કોશિશ ન કરો. આપણા સૈનિકનો માત્ર એક જ ધર્મ છે અને એ સૈન્યધર્મનું તેઓ પાલન કરે છે.’


