રાજસ્થાનના શહીદ સુરેન્દ્ર કુમાર મોગાની ૧૧ વર્ષની દીકરી વર્તિકાએ સંકલ્પ કર્યો આર્મીમાં જોડાવાનો
ઇન્ડિયન ઍર ફોર્સના જવાન સુરેન્દ્ર કુમાર મોગાના પાર્થિવ દેહને ગઈ કાલે રાજસ્થાનના તેમના ગામ મેહરાદાસીમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવાતો હતો ત્યારે શહીદ પપ્પાને દીકરી વર્તિકાએ સૅલ્યુટ કરી હતી.
તે કહે છે કે પાકિસ્તાન કા ખાતમા કરના ચાહિએ, નામ ભી નહીં આના ચાહિએ પાકિસ્તાન કા
રાજસ્થાનના ઝુંઝુનૂં જિલ્લાના મંડાવા ગામના ઍરફોર્સના જવાન સુરેન્દ્ર કુમાર મોગા શનિવારે જમ્મુ કાશ્મીરના આર. એસ. પુરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં શહીદ થયા હતા. ગઈ કાલે તેમની ૧૧ વર્ષની દીકરી વર્તિકાએ પપ્પાના રાહે ચાલીને સેનામાં જોડાવાની પ્રતિજ્ઞા લીધી હતી અને પપ્પાની શહીદીનો બદલો લેવાની કસમ ખાધી હતી. વર્તિકાની આંખમાં આંસુ સુકાઈ ગયાં છે. તેણે કહ્યું હતું કે ‘પપ્પાની શહાદતે મારું શિર ગર્વથી ઊંચું કરી દીધું છે. હવે હું તેમના રાહ પર ચાલીને દેશના દુશ્મનો સામે બદલો લઈશ. મને મારા પપ્પા પર ગર્વ છે, હું મારા પપ્પાનો બદલો લઈશ. પાકિસ્તાનનો ખાતમો કરવો જોઈએ, નામ પણ ન આવવું જોઈએ પાકિસ્તાનનું.’ આ કહ્યું ત્યારે વર્તિકાની આંખમાં આંસુ નહીં પણ આગ હતી. આ કોઈ આમ છોકરી નથી પણ એક શહીદની દીકરી છે જેણે પિતાની શહાદતને માતમ નહીં મિશન બનાવી દીધું છે. ૧૧ વર્ષની વર્તિકાનો સંકલ્પ દર્શાવે છે કે શહીદ માત્ર યુદ્ધભૂમિ પર જ નહીં, પોતાની પાછળ પણ દેશભક્તોની ફોજ છોડી જાય છે. શનિવારે રાત્રે ૯ વાગ્યે સુરેન્દ્ર કુમાર મોગાએ પત્ની સીમા અને દીકરી વર્તિકા સાથે વાતચીત કરી હતી. પપ્પા સાથે થયેલી વાતચીત વિશે બોલતાં વર્તિકાએ કહ્યું હતું કે પપ્પાએ કહ્યું કે પાકિસ્તાની ડ્રોન દેખાઈ રહ્યાં છે, પણ હજી સુધી કોઈ હુમલો થયો નથી અને અમે સેફ છીએ. જોકે કોઈને ખબર નહોતી કે આ છેલ્લી વાતચીત હતી. બીજા દિવસે સુરેન્દ્ર મોગાની શહીદીના ન્યુઝ આવ્યા હતા અને ઘરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. ગઈ કાલે સુરેન્દ્ર કુમાર મોગાના પાર્થિવ દેહને સંપૂર્ણ સૈન્ય-સન્માન સાથે ગામમાં લાવવામાં આવ્યો ત્યારે ગામની ગલીઓમાં ‘ભારત માતા કી જય’ અને ‘શહીદ સુરેન્દ્ર મોગા અમર રહે’ના નારા ગૂંજી ઊઠ્યા હતા.
શહીદ સુરેન્દ્ર કુમાર મોગા ઍરફોર્સમાં મેડિકલ અસિસ્ટન્ટ હતા
રાજસ્થાનના ઝુંઝુનૂં જિલ્લાના રહેવાસી સુરેન્દ્ર કુમાર મોગા ઍરફોર્સમાં મેડિકલ અસિસ્ટન્ટ તરીકે ઉધમપુરના ૩૯ વિન્ગમાં પોસ્ટેડ હતા. શનિવારે ઉધમપુરમાં પાકિસ્તાની હવાઈ હુમલામાં તેઓ શહીદ થયા હતા. તેઓ છેલ્લા ૧૪ વર્ષથી ઍરફોર્સની મેડિકલ વિન્ગમાં સેવા આપી રહ્યા હતા. તેમના પરિવારમાં માતા, પત્ની, ૧૧ વર્ષની દીકરી વર્તિકા અને ૪ વર્ષનો પુત્ર છે.

