લૂંટની ઘટનાના પગલે આ વિસ્તારમાં સનસની ફેલાઈ હતી અને આખી ઘટના શોરૂમમાં લગાવવામાં આવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.
બિહારના આરા શહેરમાં તનિષ્ક જ્વેલરીના શોરૂમમાં ગઈ કાલે ધોળેદહાડે લૂંટને અંજામ આપવામાં આવ્યો
બિહારના આરા શહેરમાં તનિષ્ક જ્વેલરીના શોરૂમમાં ગઈ કાલે ધોળેદહાડે લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. ગોપાલી ચૌક સ્થિત જ્વેલરી શોરૂમમાં સવારે સાડાદસથી ૧૧ વાગ્યા વચ્ચે આશરે આઠથી ૧૦ લૂંટારાઓએ ૩૦ મિનિટ સુધી આતંક મચાવ્યો હતો અને શોરૂમમાં ઉપસ્થિત કર્મચારીઓને બંધક બનાવીને પચીસ કરોડ રૂપિયાની જ્વેલરી તફડાવી ગયા હતા.
આ લૂંટની ઘટનાના પગલે આ વિસ્તારમાં સનસની ફેલાઈ હતી અને આખી ઘટના શોરૂમમાં લગાવવામાં આવેલા ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. CCTVનાં ફુટેજમાં જોવા મળે છે કે આરોપીઓ બે-બેના ગ્રુપમાં શોરૂમમાં ઘૂસ્યા હતા અને બંદૂક તથા ચાકુ જેવાં હથિયારથી સૌને ધમકાવ્યા હતા અને સ્ટાફને બંધક બનાવીને શોરૂમમાં રાખવામાં આવેલી સોના-ચાંદી અને ડાયમન્ડની જ્વેલરી બૅગમાં ભરીને નાસી છૂટ્યા હતા. શોરૂમની એક સેલ્સગર્લે જણાવ્યું હતું કે પોલીસને પચીસથી ૩૦ વાર ફોન કર્યા છતાં કોઈ મદદ નહોતી મળી.
ADVERTISEMENT
બે આરોપીઓ ઝડપાયા
આ ઘટના વિશે પોલીસે કહ્યું હતું કે લૂંટની ઘટનાના બે કલાકમાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ ડોરીગંજ માર્ગે છપરા તરફ ભાગી રહ્યા હતા ત્યારે તેમનો પીછો કરવામાં આવ્યો હતો અને પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્રણ બાઇક પર ૬ આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું, જવાબી કાર્યવાહીમાં પોલીસના ફાયરિંગમાં બે આરોપી ઘાયલ થયા હતા. વિશાલ ગુપ્તા અને પ્રદીપ કુમાર નામના બે આરોપીને પકડી લેવામાં આવ્યા છે. તેમની પાસેથી ત્રણ બૅગમાં જ્વેલરી પણ મળી આવી છે. બાકીના આરોપીઓને શોધવા માટે પોલીસે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નું ગઠન કર્યું છે.

