બંગલાદેશ સરકારે કહ્યું કે શેખ હસીના સ્વેચ્છાએ પાછાં ફરવાના બદલે પ્રત્યાર્પણની કાર્યવાહીમાંથી પસાર થાય, જો તેઓ પરત ફરશે તો તેમને અરેસ્ટ અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.
શેખ હસીના અને હુમાયૂં કબીર
બંગલાદેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ ૧૬ ડિસેમ્બરે બંગલાદેશમાં પાછા ફરવાની જાહેરાત કર્યા બાદ દેશમાં હિંસા અને રાજકીય ટેન્શન વધી ગયું છે. તેમની અવામી લીગ પાર્ટીએ ૨૭ અને ૨૮ નવેમ્બરે દેશભરમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે અને પાર્ટીએ ૮ માગણી કરી છે. ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ના મુક્તિ સંગ્રામમાં પાકિસ્તાન પર જીતની વર્ષગાંઠ છે.
અવામી લીગે મંગળવારે મશાલ મોરચો કાઢીને વિરોધ-પ્રદર્શનોને વધુ તેજ કરવાની જાહેરાત કરી હતી. હસીનાના હોમ ડિસ્ટ્રિક્ટમાં પાર્ટીના કાર્યકર્તાઓ પર હુમલા અને ગોપાલગંજમાં ૧૨ દુકાનોમાં તોડફોડ કરવામાં આવી હતી. શેખ હસીનાએ કહ્યું હતું કે ‘હું વિજય દિવસ નિમિત્તે ઢાકા પાછી ફરવાની છું અને મેં બંગલાદેશ સરકારને મુસાફરી અને ફ્લાઇટની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.’
ADVERTISEMENT
જોકે બંગલાદેશના વિદેશ રાજ્ય પ્રધાન હુમાયુ કબીરે કહ્યું છે કે શેખ હસીનાને માત્ર એક કેદી તરીકે હાથકડી પહેરાવેલી હાલતમાં અને કડક દેખરેખ હેઠળ જ પાછા ફરવાની મંજૂરી આપવામાં આવશે, ઇચ્છા અને વાસ્તવિકતા એ બે અલગ-અલગ બાબતો છે.
શેખ હસીના ૨૦૦૯થી ૨૦૨૪ સુધી બંગલાદેશના વડા પ્રધાનપદે રહ્યાં હતાં. જાહેર ક્ષેત્રની નોકરીઓમાં અનામતને લઈને વિદ્યાર્થીઓના નેતૃત્વમાં શરૂ થયેલું આંદોલન તેમની અવામી લીગ સરકાર વિરુદ્ધ દેશવ્યાપી બળવામાં ફેરવાઈ જતાં તેઓ ૨૦૨૪ની પાંચમી ઑગસ્ટે ભારત આવી ગયાં હતાં.
બંગલાદેશ સરકારે સ્પષ્ટતા કરી હતી કે અમે ઇચ્છીએ છીએ કે હસીના સ્વેચ્છાએ પાછાં ફરવાના બદલે પ્રત્યાર્પણની કાર્યવાહીમાંથી પસાર થાય અને જો તેઓ પરત ફરશે તો તેમને ધરપકડ અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.
