વક્ફ ઍક્ટ વિરુદ્ધની અરજીઓની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કાયદા પર સ્ટે તો ન મૂક્યો, પણ ‘જૈસે થે’ સ્થિતિ જાળવી રાખવાનું કહ્યું અને...
નરેન્દ્ર મોદી
વક્ફ સંશોધન કાયદા, ૨૦૨૫ને લઈને છેલ્લા ઘણા સમયથી ઘમસાણ ચાલી રહ્યું છે ત્યારે ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાં બીજા દિવસે એક કલાક સુધી સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલી દલીલો બાદ કોર્ટે આ મુદ્દે અરજી કરનારાઓના સવાલોના જવાબ આપવા માટે સરકારને સાત દિવસનો સમય આપ્યો છે, જ્યારે સરકારના જવાબો બાદ અરજી કરનારાઓને પાંચ દિવસમાં જવાબ આપવો પડશે. આગામી સુનાવણી પાંચમી મેએ બપોરે બે વાગ્યે થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ‘વક્ફ સંશોધન કાયદા વિરુદ્ધ દાખલ ૭૦ અરજીઓની જગ્યાએ માત્ર પાંચ અરજીઓ જ દાખલ કરવામાં આવે, એના પર સુનાવણી થશે. ત્યાં સુધી સરકારને ત્રણ નિર્દેશ માનવા પડશે.’
કેન્દ્ર સરકારના સૉલિસિટર જનરલ તુષાર મહેતા તરફથી આપવામાં આવેલા ભરોસા હેઠળ સુપ્રીમ કોર્ટે કેટલાક મહત્ત્વના દિશા-નિર્દેશ જાહેર કર્યા છે જેનાથી કાયદો તો લાગુ રહેશે, પરંતુ આગામી સુનાવણી સુધી એની કેટલીક જોગવાઈઓ પર એક પ્રકારની રોક લગાવી દેવાઈ છે. તુષાર મહેતા દ્વારા વક્ફ બોર્ડની સુનાવણીની શરૂઆત કરવામાં આવી હતી જેમાં તેમણે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ‘તમે એક એવા કાયદાને રોકવા જઈ રહ્યા છો જેને સંસદે પાસ કર્યો છે. કાયદાનાં અમુક સેક્શનના કારણે આખાય કાયદા પર રોક લગાવવી યોગ્ય નથી. અમે આ કાયદાને બનાવતાં પહેલાં લાખો લોકો સાથે વાત કરી છે અને અમે જનતા પ્રત્યે જવાબદેહ છીએ. અનેક ગામડાંની જમીન પર વક્ફ બોર્ડે દાવો કર્યો છે. એવામાં સામાન્ય લોકોના હિતનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. આ કાયદા પર તરત રોક લગાવવાનો કોર્ટનો ખૂબ જ સખત નિર્ણય હશે. મારી વિનંતી છે કે મને એક અઠવાડિયાનો સમય આપવામાં આવે જેથી હું વિસ્તારથી જણાવી શકું કે આ કાયદો કેમ બનાવવામાં આવ્યો છે. સરકાર સાત દિવસમાં જવાબ દાખલ કરશે અને ત્યાં સુધી વક્ફ બોર્ડ અથવા કાઉન્સિલમાં કોઈ નવી નિયુક્તિ નહીં થાય. અમે આ વાતને રેકૉર્ડ પર રાખીએ છીએ.’
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સંજીવ ખન્નાએ આ વાત પર જવાબ આપતાં કહ્યું હતું કે ‘અમે તમારી વાત સાંભળીશું, પરંતુ અમે નથી ઇચ્છતા કે જમીની સ્તરે કોઈ બદલાવ થાય. હાલ જે સ્થિતિ
ADVERTISEMENT
પહેલાં હતી એવી જ રહેવી જોઈએ. આ સિવાય હાલ વક્ફ બોર્ડ અથવા કાઉન્સિલમાં કોઈ નિયુક્તિ નહીં કરવામાં આવે. જે સંપત્તિ વક્ફ ઘોષિત છે અથવા રજિસ્ટર્ડ છે, એને પણ અત્યારની સ્થિતિમાં જ રહેવા દેવામાં આવે.’
અરજીમાં ત્રણ મોટી વાતો
આ કાયદો બંધારણના અનુચ્છેદ ૧૪, ૧૫, ૨૫ (ધર્મની સ્વતંત્રતા), ૨૬ (ધાર્મિક બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતા), ૨૯ (લઘુમતી અધિકારો) અને ૩૦૦એ (મિલકતનો અધિકાર)નું ઉલ્લંઘન કરે છે.
વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમોનો સમાવેશ કરવાથી અને જિલ્લા કલેક્ટરને વક્ફ મિલકત પર નિર્ણય લેવાની સત્તા આપવાથી સરકારી દખલગીરી વધે છે. આ કાયદો મુસ્લિમ સમુદાય સાથે ભેદભાવ કરે છે, કારણ કે અન્ય ધાર્મિક ટ્રસ્ટોમાં સમાન પ્રતિબંધો નથી.
સુપ્રીમ કોર્ટના આદેશની ત્રણ મોટી વાત
વક્ફ બોર્ડ પર કેન્દ્રના જવાબ સુધી વક્ફ સંપત્તિની સ્થિતિ નહીં બદલાય.
વક્ફ ઘોષિત મિલકતો ડી-નોટિફાય નહીં થાય.
વક્ફ બોર્ડ અને કેન્દ્રીય વક્ફ કાઉન્સિલમાં કોઈ નવી નિયુક્તિ નહીં થાય.

