ગઝલકાર શૂન્ય પાલનપુરી, એક અભ્યાસ વિષય પર મેળવી આ પદવી : ૭૦ વર્ષની ઉંમરે વિચાર્યું કે મારે ભણવું છે, બેસી નથી રહેવું અને શરૂ કર્યો અભ્યાસયજ્ઞ
PhDની પદવી સાથે રમીલા શુક્લ.
ઉંમર માત્ર એક આંકડો જ હોય છે, મન હોય તો માળવે જરૂર જવાય છે એ વાત અમદાવાદનાં ૮૨ વર્ષનાં રમીલા શુક્લએ સાબિત કરી છે. અમદાવાદમાં આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી રમીલા શુક્લએ ‘ગઝલકાર શૂન્ય પાલનપુરી, એક અભ્યાસ’ વિષય પર ડૉક્ટર ઑફ ફિલોસૉફી (PhD)ની પદવી મેળવી છે. જ્યારે તેમને PhDની પદવી એનાયત થઈ ત્યારે સભાગૃહમાં ઉપસ્થિત તેમનાં પૌત્ર-પૌત્રીઓએ ‘ડૉ. દાદીમા, ડૉ. દાદીમા’ કહીને તેમને ચિયરઅપ કર્યાં ત્યારે ૮૨ વર્ષનાં રમીલા શુક્લના ચહેરા પર આનંદ સાથે સંતોષની રેખા ખેંચાઈ આવી હતી.
મૂળ બનાસકાંઠાના પાલનપુરનાં અને અમદાવાદમાંથી બૅચલર ઑફ સાયન્સની ડિગ્રી મેળવનારાં રમીલા શુક્લએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું જ્યારે કિશોરાવસ્થામાં હતી ત્યારે થતું હતું કે હું બહુ ભણીશ. મૅરેજ થયાં, સંસાર સારો ચાલ્યો, દીકરાઓનાં લગ્ન થયાં. તેમનાં સંતાનો પણ આવ્યાં. હું ૭૦ વર્ષની થઈ ત્યારે મને થયું કે મારે બેસી નથી રહેવું, ભણવું છે. ઘરમાં વાત કરી કે મારે ભણવું છે. ઘરમાંથી સપોર્ટ મળ્યો અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં સાતેક વર્ષ પહેલાં માસ્ટર ઑફ આર્ટ્સ (MA) જૉઇન કર્યું અને ગુજરાતી વિષય સાથે MAની ડિગ્રી મેળવી. MAના અભ્યાસ દરમ્યાન ખૂબ મજા આવી. હું જ્યારે કોઈને કહેતી કે હું MAનો અભ્યાસ કરી રહી છું તો લોકો મારી વાત પર ખડખડાટ હસતા હતા. જોકે આ અભ્યાસ દરમ્યાન મને એ વાતનો અહેસાસ થયો કે તમારી નિષ્ઠા હોય તો લોકો તમને મદદ કરે છે. મને આ યુનિવર્સિટીમાંથી ખૂબ સપોર્ટ મળ્યો.’
ADVERTISEMENT
PhD કરવા તરફ કેવી રીતે આગળ વધ્યાં એની વાત કરતાં રમીલા શુક્લ કહે છે, હું પાલનપુરની છું. વિખ્યાત ગઝલકાર શૂન્ય પાલનપુરી પણ ત્યાંના જ. તેમના ‘શૂન્યનો વૈભવ’ પુસ્તકનું સંકલન અમારા ઘરમાં થયું હતું, હું પણ એમાં ઇન્વૉલ્વ હતી; શૂન્ય પાલનપુરી સાથે એ રીતે ઘરોબો કેળવાયો હતો. મુશાયરામાં કે ગઝલની બેઠકમાં તેમને મળવાનું થતું હતું. એ સમયે મને થતું કે શૂન્ય પાલનપુરીનું કેટલું ઊંચું કામ છે. એટલે જ્યારે MAનો અભ્યાસ પૂરો થયો ત્યારે થયું કે હું શૂન્ય પાલનપુરી પર કામ કરીને તેમને એ રીતે શ્રદ્ધાંજલિ આપીશ. ‘ગઝલકાર શૂન્ય પાલનપુરી, એક અભ્યાસ’ વિષય પસંદ કરીને એના પર PhD કરવાનું નક્કી કર્યું. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રોફેસર યોગેન્દ્ર પારેખ મારા પ્રોફેસર અને ગાઇડ હતા. તેમનું માર્ગદર્શન મને સતત મળતું રહ્યું. તેમણે મને એમ પણ કહ્યું હતું કે તમારે ઓછામાં ઓછાં ૧૦૦ પુસ્તકો વાંચવાં પડશે. આ વિષય સાથે આગળ વધતાં મેં ૧૩૫ પુસ્તકો રિફર કર્યાં છે. ૧૦ ગઝલકારોનો પણ અભ્યાસ કર્યો છે અને શાયરના મિજાજનો પરિચય કરાવ્યો છે. શૂન્યસાહેબનું તત્ત્વજ્ઞાન, તેમના તત્ત્વદર્શી શૅરો ખૂબ જ છે. વેદાંત અને સૂફી તેમ જ પૌરાણિક વાર્તાઓને લઈને તેમણે શૅર લખ્યા છે. જીવન-મૃત્યુ પરના શૅરો પણ છે, એ માટે ખૂબ વાંચ્યું છે. અભ્યાસની દૃષ્ટિએ ધ્યાત્મ અને તત્ત્વજ્ઞાનમાં શું ફરક છે એ વિશે ઘણુંબધું વાંચ્યું. વિનોબા ભાવે, મહાત્મા ગાંધી, ગુણવંત શાહનાં ગીતા પરનાં પુસ્તકો પણ વાંચ્યાં અને ત્રણ-સાડાત્રણ વર્ષના અભ્યાસ પછી હમણાં પદવીદાન સમારોહમાં મને PhDની પદવી મળી.’
ગયા સોમવારે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં યોજાયેલા પદવીદાન સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ગુજરાતના રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં રમીલા શુક્લને PhDની પદવી એનાયત થઈ હતી.
મમ્મીને PhDની પદવી મળતાં ત્રણ દીકરાઓ સહિત સમગ્ર પરિવારની ખુશીનો કોઈ પાર ન રહ્યો. રમીલા શુક્લના દીકરા સોહમ શુક્લએ ‘મિડ-ડે’ને કહ્યું, ‘મારે બીજા બે ભાઈ મિહિર અને અલમ છે. અમે ત્રણેય ભાઈઓ અને અમારા પરિવારે એક નાનકડી પાર્ટી પણ યોજી હતી અને મમ્મીને ખુશીઓ આપી હતી. દાદીની પાંચ પૌત્રીઓ અને એક પૌત્રએ પણ તેમને ચિયરઅપ કર્યાં હતાં.’
PhD કરવું એ એક તપ જેવું છે. તમે વાંચો, વિચારો, મનન કરો અને પોતાનું લખો. યંગસ્ટર્સને કહીશ કે ખૂબ ભણો. હવે આપણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) સાથે પંગો લેવાનો છે. જીવો ત્યાં સુધી અભ્યાસ કરો, કેમ કે વિદ્યાર્થી રહેવામાં ખૂબ મજા છે, એ તમને જીવંત રાખે છે. તમારે તમારી દુનિયા બનાવવી પડશે, નહીં તો તમે ફેંકાઈ જશો. આ મારો સંદેશ છે કે તમે અભ્યાસ કરતા રહો તો જીવનથી થાકો નહીં, કોઈ ઉદ્દેશ સાથે જીવો. તમારી નિષ્ઠા હોય તો લોકો એ જોઈને આપોઆપ સાથ આપે છે.

