Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વિપક્ષોના હંગામાના કારણે સંસદના મૉન્સૂન સત્રનો પહેલો દિવસ વેડફાયો

વિપક્ષોના હંગામાના કારણે સંસદના મૉન્સૂન સત્રનો પહેલો દિવસ વેડફાયો

Published : 21 July, 2026 07:47 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોદી સરકારના ૬ નવાં બિલ લાવવાના પ્રયાસોને રોકવામાં પહેલા દિવસે વિપક્ષોને મળી સફળતા

શશી થરૂર

શશી થરૂર


સંસદના મૉન્સૂન સત્રમાં મોદી સરકાર ૬ મહત્વનાં બિલ લાવવા માગે છે, પણ સદનનો પહેલો દિવસ વિપક્ષોએ વેડફી દીધો હતો. સદનની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષોએ ગઈ કાલે લોકસભા અને રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો અને માગણી કરી હતી કે ગૃહમાં પેપર-લીક, અયોધ્યાના રામ મંદિરની દાનચોરી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે. વિપક્ષોની આવી માગણીના કારણે લોકસભા અને રાજ્યસભા બન્નેમાં અનેક વખત કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. કૉક્રૉચ જનતા પાર્ટીના કાર્યકરો પર જંતરમંતરથી સંસદ સુધીની કૂચ દરમ્યાન લાઠીચાર્જ કરવામાં આવ્યો એનો પણ વિપક્ષે વિરોધ કર્યો હતો. વિપક્ષના જોરદાર સૂત્રોચ્ચાર વચ્ચે બન્ને ગૃહોમાં કોઈ અર્થપૂર્ણ ચર્ચા થઈ શકી નહોતી અને વારંવાર સભામોકૂફી બાદ ગૃહની કાર્યવાહી આજના દિવસ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

સમાજવાદી પાર્ટીના સંસદસભ્યો સંસદથી જંતરમંતર ગયા
ડિમ્પલ યાદવના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટીના સંસદસભ્યોએ સંસદથી જંતરમંતર સુધી કૂચ કરી હતી. આ પ્રસંગે ડિમ્પલ યાદવે કહ્યું હતું કે આખો દેશ એક દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિમાં છે જ્યાં યુવાનો પોતાના વિચારો વ્યક્ત કરવા માગે છે, પરંતુ સરકાર સાંભળવાનો ઇનકાર કરે છે.



લાઠીચાર્જનું કારણ શું? : શશી થરૂર
કૉન્ગ્રેસના નેતા શશી થરૂરે પત્રકારોને જણાવ્યું હતું કે ‘જ્યારે હિંસા વિના વિરોધ-પ્રદર્શન થાય છે ત્યારે લાઠીચાર્જનું કારણ શું છે? લાઠીચાર્જ હિંસાનું કાર્ય છે. મને એની પાછળનો તર્ક સમજાતો નથી. સંસદમાં દરેક વ્યક્તિ જાણે છે કે આ સમગ્ર દેશ માટે સળગતા મુદ્દાઓ છે. એની ચર્ચા કરવી તાર્કિક રહેશે. સંસદ એ એવી જગ્યા છે જ્યાં આપણે લોકોના અવાજ અને ચિંતાઓને આગળ લાવી શકીએ છીએ.


બળવાખોર સાંસદોને બેસવાની અલગ જગ્યા ફાળવાઈ
તૃણમૂલ કૉન્ગ્રેસમાંથી નૅશનલિસ્ટ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI)માં જોડાયેલા ૨૦ બળવાખોર સાંસદોને ગૃહમાં અલગ બેઠક માટે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મંજૂરી આપી હતી. 

દિલ્હીના જંતરમંતર ખાતે ચાલી રહેલા વિરોધ-પ્રદર્શનમાં પહોંચેલાં શબાના આઝમીની તબિયત અચાનક લથડી


દિલ્હીના જંતરમંતર ખાતે ચાલી રહેલા કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના વિરોધ-પ્રદર્શન દરમ્યાન ત્યાં હાજર રહેલાં શબાના આઝમીની તબિયત ગઈ કાલે અચાનક બગડી ગઈ હતી. આ ઘટનાનો એક વિડિયો હાલમાં સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. વિડિયોમાં ૭૫ વર્ષનાં શબાના અર્ધબેભાન હાલતમાં જોવા મળે છે, જ્યારે આસપાસના લોકો તેમનો હાથ પકડીને તેમને સહારો આપતા લઈ જતા જોવા મળે છે. વાઇરલ થયેલા વિડિયોમાં વિદ્યાર્થીઓ સુરક્ષાકર્મીઓને ગેટ ખોલવાની વિનંતી કરતા જોવા મળે છે. તેઓ સુરક્ષાકર્મીઓને કહે છે કે આ શબાના આઝમી છે. એ પછી ગેટ ખોલવામાં આવે છે અને શબાનાને સુરક્ષા-કૅબિન પાસે બેસાડવામાં આવે છે. શબાના આઝમીએ રવિવારે જંતરમંતર પર પહોંચીને અનિશ્ચિત ઉપવાસ પર બેઠેલા અભિજિત દીપકે અને અન્ય પ્રદર્શનકારીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાતના વિડિયો પણ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થયા હતા. પોતાની હાજરી વિશે ગઈ કાલે શબાનાએ જણાવ્યું હતું કે તેઓ ત્યાં શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન કરવા માટે આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે ‘ભારતનું બંધારણ અમને જે અધિકારો આપે છે એ અધિકારો અંગે અવાજ ઉઠાવવા અમે અહીં આવ્યા છીએ. મહાત્મા ગાંધીજીએ અમને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો માર્ગ શીખવ્યો છે. અમારો કોઈ પણ પ્રકારની હિંસા કરવાનો ઈરાદો નથી.’

Whatsapp-channel Whatsapp-channel

21 July, 2026 07:47 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK