પેઇડ ફોટો-પ્લૅટફૉર્મ પરથી લેરિસા નામની મૉડલની આ તસવીર ખરીદવામાં આવી હોવાનું બહાર આવ્યું છે
બ્રાઝિલિયન મૉડલ
રાહુલ ગાંધીએ જે બ્રાઝિલિયન મૉડલના નામે બાવીસ મત પડ્યા હોવાનો આરોપ મૂકેલો એ છોકરીએ આપ્યો જવાબ
કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ બુધવારે દિલ્હીમાં પ્રેસ-કૉન્ફરન્સ કરીને ચૂંટણીપંચના કામકાજ પર સવાલો ઉઠાવ્યા એમાં હરિયાણાના વોટિંગ-લિસ્ટમાં બ્રાઝિલની એક મૉડલે પણ બાવીસ વાર મત આપ્યો હોવાનો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ આ છોકરીનું નામ મૅથ્યુઝ ફેરેરો છે એમ જણાવીને કહ્યું હતું કે ‘આ મૉડલનું નામ હરિયાણાની મતદારયાદીમાં કઈ રીતે આવ્યું?’
આ મૉડલે સોશ્યલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાનું નામ લેરિસા છે એમ જણાવીને પોર્ટુગીઝ ભાષામાં રીઍક્શન આપ્યું છે. ઇન્સ્ટાગ્રામની રીલમાં તેણે પોર્ટુગીઝ ભાષામાં જે કહ્યું છે એ આ મુજબ છેઃ
ADVERTISEMENT
‘હેલો ઇન્ડિયા... હું એ બ્રાઝિલિયન મૉડલ છું જેના વિશે તમે બધા વાત કરી રહ્યા છો. જુઓ, સૌથી પહેલાં તો હું સ્પષ્ટ કરી દઉં કે મને ભારતીય રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. મને ભારતીય પત્રકારો માટે એક વિડિયો બનાવવાનું કહેવામાં આવ્યું હતું અને મેં એ કર્યું હતું. સાચું કહું તો હું કદી ભારત ગઈ પણ નથી. હું પહેલાં મૉડલ હતી, હવે ડિજિટલ ઇન્ફ્લુએન્સર છું. હા, મને ભારતના લોકો માટે બહુ પ્રેમ છે. તમને સૌને ધન્યવાદ... નમસ્તે.
હવે આ મામલો થોડો ગંભીર થઈ ગયો છે. કેટલાક ભારતીય પત્રકારો મારો સંપર્ક કરી રહ્યા છે અને મારા વિશે જાણવા માગે છે અને ઇન્ટરવ્યુ લેવા માગે છે. મેં બધાને તેમના સવાલોના જવાબ આપી દીધા છે. હું એ જ રહસ્યમયી બ્રાઝિલિયન મહિલા છું જેની તમે શોધ કરી રહ્યા છો, પણ હું તો માત્ર બાળકો સાથે કામ કરું છું. હવે તો હું મૉડલ પણ નથી રહી અને તમારા હિસાબે હું રહસ્યમય બની ગઈ છું.
ભારતીય દોસ્તો, જે તસવીરો ફેલાઈ છે એ મેં જ્યારે મૉડલિંગ શરૂ કરેલું એ દિવસોની છે, જ્યારે હું ૧૮-૨૦ વર્ષની હતી. આ તસવીર એક સ્ટૉક ઇમેજના પ્લૅટફૉર્મ પરથી ખરીદેલી છે અને મારી પરવાનગી વિના એનો ઉપયોગ થયો છે. હવે હું મૉડલ નથી. લોકોને ઠગવા માટે લોકો મને ભારતીય બતાવી રહ્યા છે. અનેક લોકો પૂછે છે કે શું હું ઇન્ડિયન જેવી દેખાઉં છું? મને લાગે છે કે હું થોડીક મેક્સિકન જેવી લાગું છું. સાચું કહું તો ભારતીયો દયાળુ છે.’


