યુદ્ધ શરૂ થયું એ પહેલાં ૭૮૬ લોકો પાકિસ્તાન ગયા અને ૧૫૬૫ લોકો ભારત આવ્યા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
યુદ્ધ શરૂ થતાં પહેલાં જ ભારતે પાકિસ્તાનના નાગરિકોને અને પાકિસ્તાને ભારતના નાગરિકોને પોતપોતાના દેશ મોકલી દેવાની જે કવાયત કરી એ વખતે અનેક કરુણ દૃશ્યો સર્જાયાં હતાં. અપવાદરૂપ સીમા હૈદર પાસે ભારતના વીઝા પણ નહોતા છતાં તે ભારતમાં રહી શકી અને બીજી આવી પત્નીઓએ વીઝા હોવા છતાં પોતાનાં બાળકોને છોડીને પાકિસ્તાન જવું પડ્યું. જાણીએ આવું કેમ થયું?
ADVERTISEMENT
અયાત મોહમ્મદ
પહલગામના આતંકવાદી હુમલા પછી આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટેનું ઑપરેશન સિંદૂર શરૂ કરતાં પહેલાં ભારત સરકારે વીઝા લઈને આવેલા પાકિસ્તાની નાગરિકોને પાછા પોતાના દેશ જવા માટે એક વીકનો સમય આપેલો. એ દરમ્યાન પંચાવન ડિપ્લોમેટ્સ અને તેમના સપોર્ટ સ્ટાફ સહિત કુલ ૭૮૬ પાકિસ્તાની નાગરિકોને પાછા પાકિસ્તાન મોકલવામાં આવ્યા. બીજી તરફ ૧૪૬૫ ભારતીય નાગરિકો અને ભારતીય ડિપ્લોમેટ્સ ભારત પાછા ફર્યા. નાગરિકોને પોતપોતાના દેશ મોકલવાની આ પ્રક્રિયા દરમ્યાન કેટલાંક યુગલોની એવી-એવી કહાણીઓ સામે આવી કે અટારી-વાઘા બોર્ડર પર કરુણ દૃશ્યો રચાયાં. બે દેશો વચ્ચેનો તણાવ યુદ્ધ જેવી સ્થિતિમાં સામાજિક, આર્થિક જીવન પણ અસર પામતું જ હોય છે, પરંતુ યુદ્ધ શરૂ થતાં પહેલાં જ કેટલાક પરિવારો પીંખાઈ ગયા હતા. કોઈક માએ પોતાના ૧૪ મહિનાના બાળકને ઇન્ડિયામાં મૂકીને પાછા પાકિસ્તાન જવું પડ્યું તો કોઈકની પ્રેગ્નન્ટ પત્નીએ બાળક સહિત ભારત છોડવું પડ્યું. આવા અનેક કિસ્સાઓ ચર્ચામાં આવ્યા. એમાંથી એક બહુ ગાજેલો સીમા હૈદરનો કિસ્સો છે. જેને વીઝા વિના પણ વેલકમ કરવામાં આવી છે. કેમ સીમા હૈદર અપવાદ બની એ જાણીએે.
શાહિદા અદ્રિસ
વીઝા વિના પણ વેલકમ
સત્તાવાર વીઝા લઈને દેશમાં આવેલા પાકિસ્તાનીઓની પણ જ્યારે હકાલપટ્ટી કરવામાં આવી ત્યારે સીમા હૈદર એવી વ્યક્તિ છે જેની પાસે વીઝા ન હોવા છતાં તેને ભારતમાં રહેવા દેવામાં આવી છે. સીમા હૈદરે હજી હમણાં માર્ચની ૧૮ તારીખે નોએડામાં દીકરીને જન્મ આપ્યો, જેનું નામ ભારતી રાખવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશની સરકારે ભારતીને બર્થ સર્ટિફિકેટ આપ્યું હોવાથી ટેક્નિકલી તેની નાગરિકતા ભારતીય થાય છે. સીમા હૈદરના ઍડ્વોકેટ એ. પી. સિંહ ‘મિડ-ડે’ને કહે છે, ‘સીમા ભારતમાં રહી શકે કે નહીં એનો અમારો કેસ ચાલુ છે. આવા સમયે તેને પાકિસ્તાન મોકલવાનો સવાલ જ આવતો નથી. બીજી વાત, ભારતી હજી નાની છે અને ભારતી ભારતીય છે તો સ્વાભાવિક રીતે ભારતીને માતાની જરૂર છે એટલે એ રીતે પણ સીમાને પાકિસ્તાન મોકલવાનો સવાલ નથી.’
આજે જ્યારે ભારત-પાકિસ્તાન બન્ને દેશ એકબીજાના નાગરિકોને દેશમાંથી હાંકી રહ્યા છે એવા સમયે સીમા હૈદર એકમાત્ર એવી વ્યક્તિ છે જે પાકિસ્તાની હોવા છતાં સ્વમાનભેર દેશમાં રહી શકશે. એ. પી. સિંહ કહે છે, ‘સીમાએ પાકિસ્તાનમાં જ હિન્દુ ધર્મ સ્વીકારી લીધો હતો તો નેપાલ અને ભારતમાં તેણે સચિન મીણા સાથે હિન્દુ ધર્મવિધિથી મૅરેજ કર્યાં છે. સીમા હકથી દેશમાં રહી શકે છે અને અમે એ કોર્ટમાં પ્રૂવ પણ કરીશું.’
અગાઉ પણ હેડલાઇન બની ગયેલી અને અત્યારે ફરીથી ન્યુઝપેપરની હેડલાઇન બનેલી સીમા હૈદર કોણ છે એ જાણવા જેવું છે.
રુવા તલિબ નામની પાકિસ્તાની મહિલાએ તેના એક વર્ષના દીકરા અબ્દાનને ભારતમાં પતિ મોહમ્મદ તલિબ પાસે છોડીને પાકિસ્તાન પાછા જવું પડ્યું હતું.
રુકસાર નામની પાકિસ્તાની મહિલા તેના ૧૪ મહિનાના દીકરાને પોતાની સાથે પાકિસ્તાન નહોતી લઈ જઈ શકી, કેમ કે દીકરો ભારતની નાગરિકતા ધરાવે છે.
પાકિસ્તાની નાગરિકતા ધરાવતી સરિતા નામની ટીનેજર દીકરી તેની ભારતીય નાગરિકતા ધરાવતી મમ્મીથી છૂટી પડીને બૉર્ડર પાર કરતાં પહેલાં રડી પડી હતી.
કોણ છે આ સીમા હૈદર?
પાકિસ્તાનના સિંધ પ્રાંતની સીમા હૈદરનાં મૅરેજ કરાચીમાં રહેતા ગુલામ હૈદર સાથે થયાં હતાં. થોડો સમય કરાચીમાં રહ્યા પછી ગુલામ હૈદરને સાઉદી અરેબિયામાં જૉબ મળી. તે આજે પણ સાઉદી અરેબિયામાં છે. ગુલામ સાથેનાં મૅરેજ પછી સીમાને ચાર બાળકો થયાં.
મૅરેજ પછી સીમા અને હૈદર વચ્ચે બહુ ઝઘડા થતા હતા. સીમાએ ભારત આવ્યા પછી કોર્ટમાં અને પોલીસ ઇન્ક્વાયરીમાં કહ્યું હતું કે ૨૦૧૯માં જ તે ગુલામથી અલગ થઈને એકલી રહેતી હતી. જોકે એ પછી પણ તેનાં બાળકો સીમા સાથે જ રહેતાં હતાં. આ જ એ પિરિયડ હતો જ્યારે સીમા અને ભારતીય સચિન મીણા એકબીજાના કૉન્ટૅક્ટમાં આવ્યાં.
થયો સચિન સાથે પ્રેમ
સચિન સાથે સીમા કૉન્ટૅક્ટમાં આવી એ સમયે સીમાની ઉંમર ૩૦ની અને સચિન ૩૨ વર્ષનો. ૨૦૧૯ના ઉત્તરાર્ધની વાત છે. સચિનને પબ્જીનો ગાંડો શોખ. જો તમને યાદ હોય તો એ સમયે પબ્જી જબરદસ્ત ચાલી હતી. ગલીએ-ગલીએ યંગસ્ટર્સ ટીમ બનાવીને મારામારીની આ ગેમ રમતા અને ગેમ જીતવા પર મળતા વર્ચ્યુઅલ કિચન-ડિનર માટે રીતસર તડપતા. સીમા પણ ટાઇમ પાસ કરવા માટે પબ્જી રમતી. એમાં એક દિવસ ઑનલાઇન પાર્ટનર શોધતાં તેની ઓળખાણ સચિન સાથે થઈ. ગેમની એ ઑનલાઇન ઓળખાણ ધીમે-ધીમે ફ્રેન્ડશિપમાં કન્વર્ટ થઈ. પહેલાં તો ગેમને લગતી જ વાતો થતી, પણ કોરોનાના આ પિરિયડમાં ભારતમાં ચીની ગેમ એવી પબ્જી પર બૅન મુકાયો એટલે સચિન અને સીમાની વાતો બંધ થઈ. જોકે ફ્રેન્ડશિપને કારણે સીમાએ સચિનનો મેસેજ પર કૉન્ટૅક્ટ કરવાનું શરૂ કર્યું અને પછી બન્ને વૉટ્સઍપથી કનેક્ટ થયાં. ધીમે-ધીમે દોસ્તી પ્રેમમાં પરિણામી. આખો કોરોનાકાળ આ જ રીતે પસાર થયો અને ૨૦૨૩ આવતાં સુધીમાં બન્નેએ નક્કી કરી લીધું કે હવે સાથે રહેવું છે. જોકે બન્ને વચ્ચે સરહદ વિલન હતી તો કાયદાકીય ગૂંચવણો પણ અઢળક હતી. સીમાએ ભારત આવવા માટે ત્રણ વખત વીઝા અપ્લાય કર્યા, પણ દરેક વખતે ભારત સરકારે એ રિજેક્ટ કર્યા.
૨૦૨૩નો માર્ચ આવતા સુધીમાં સીમાના મનમાં એક નવો જ વિચાર આવી ગયો અને તેણે પોતાના પ્રેમને મળવા માટે રસ્તો શોધી લીધો.
નેપાલ બન્યું મિલન-સ્થળ
૨૦૨૩ના માર્ચમાં સીમા કરાચીથી કાઠમાંડુ પહોંચી તો સચિન નોએડાથી કાઠમાંડુ ગયો. બન્ને ત્યાં પહેલી વાર રૂબરૂ મળ્યાં. અફકોર્સ, બન્ને વિડિયો ફોનથી એકબીજા સાથે પહેલેથી જોડાયેલાં હતાં જ, પણ પર્સનલ કહેવાય એવી આ પહેલી મીટિંગ. બન્ને સાત દિવસ સાથે રહ્યાં. પશુપતિનાથ મંદિરમાં બન્નેએ ગાંધર્વ વિવાહ કર્યા. જોકે વાત અહીં પૂરી નહોતી થતી. હજી તો સચિન સામે મોટો પ્રશ્ન સીમા અને તેનાં બાળકોને ભારત લઈ જવાનો હતો.
સચિન ફરી પાછો ઇન્ડિયા આવ્યો અને બાળકો સાથે સીમા ત્યાં જ રોકાઈ. થોડા વખત પછી સચિન મીણાએ જ સીમાને કહ્યું કે હવે તું રોડ-વેથી ઇન્ડિયા આવી શકે છે. વાત આગળ વધારતાં પહેલાં કહેવાનું કે ભારતથી નેપાલ કે નેપાલથી ભારત આવવા માટે વીઝાની જરૂર નથી પડતી.
સીમા અને તેનાં બાળકો કાઠમાંડુથી ગોરખપુર અને ત્યાંથી નોએડા પહોંચ્યાં. નોએડામાં એક સામાન્ય કરિયાણાવાળાને ત્યાં નોકરી કરતા સચિને એક રૂમ ભાડે રાખીને સીમા અને તેનાં બાળકોને ત્યાં રાખ્યાં. હવે તે બન્નેને ભારતમાં મૅરેજ કરવાનાં હતાં. સચિને મૅરેજ માટે તૈયારી શરૂ કરી અને આ તૈયારી જ સચિન-સીમાને લાઇમલાઇટમાં લાવવાનું કામ કરી ગઈ. બન્યું એવું કે સિવિલ મૅરેજ માટે કરવામાં આવતી કાયદાકીય પ્રક્રિયા દરમ્યાન સચિનના વકીલના ધ્યાનમાં આવ્યું કે સીમા પાકિસ્તાની છે અને તે નેપાલના રસ્તે ઇન્ડિયામાં આવી છે.
બન્નેની થઈ અરેસ્ટ
સચિનના વકીલે પોલીસને જાણ કરી દીધી અને ઇન્ક્વાયરીના અડધા જ કલાકમાં પોલીસે સચિન-સીમાની અરેસ્ટ કરી. દિવસ હતો ૪ જુલાઈનો. દેશભરમાં દેકારો મચી ગયો. દુશ્મન એવા પાકિસ્તાનની છોકરી પ્રેમ માટે દેશ છોડીને ભારત આવે એ કોઈ માનવા તૈયાર નહોતું એટલે જાતજાતની ઇન્ક્વાયરીઓ થઈ તો સાથોસાથ મીડિયાએ પણ દેકારો મચાવ્યો કે સીમા પાકિસ્તાનની જાસૂસ છે. અલબત્ત, બધી ઇન્ક્વાયરીમાં સીમા અને સચિન બન્ને વિરુદ્ધ કંઈ એવું મળ્યું નહીં જે આપત્તિજનક હોય એટલે બન્નેને જામીન આપવામાં આવ્યા. આ જામીન પછી સીમા અને તેનાં બાળકો જે એક રૂમમાં ભાડે રહેતાં હતાં તેણે અને સચિનની ફૅમિલીએ તેમને પણ સ્વીકારી લીધાં. સચિન અને સીમા હવે સચિનની ફૅમિલી સાથે જૉઇન્ટ ફૅમિલીમાં રહે છે.
જે તે સમયે સીમાના પતિએ સાઉદી અરેબિયાથી મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યા હતા, પણ તેણે ભારતીય કોર્ટમાં એવો કોઈ દાવો રજૂ નથી કર્યો કે તેને પત્ની પાછી અપાવવામાં સરકાર મદદ કરે. જોકે ગુલામ હૈદરે એવો દાવો ચોક્કસ કર્યો હતો કે સીમાએ તેની સંપત્તિમાંથી ખરીદવામાં આવેલું ઘર વેચીને એના પૈસા હડપ કરી લીધા છે. ગુલામના આ દાવાને સીમાએ પડકાર્યો નહીં અને સ્વીકાર્યું કે તેણે એ ઘર વેચ્યું છે, પણ એ ઘર ખરેખર તેના નામે હતું એટલે એ વેચવાનો પૂરો હક તેનો છે.
પાકિસ્તાનના કરાચી શહેરથી દુબઈ, ત્યાંથી નેપાલ અને પછી નેપાલથી ભારત આવવામાં સીમાને તેનાં ચાર બાળકો સહિત અંદાજે ૧૨ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો, જે ખર્ચમાં એ પૈસા વપરાયા હતા. એ પૈસા માટે પણ ગુલામ હૈદરે કોઈ માગણી કરી ન હોવાને કારણે પણ સીમા અને ગુલામ હૈદરના એક પણ મુદ્દાને ભારતીય કોર્ટે ખાસ મહત્ત્વ નથી આપ્યું. હા, નેપાલથી ગેરકાયદે દેશમાં દાખલ થવાનો કેસ હજી પણ સીમા પર ચાલુ છે અને આ જ કેસને કારણે આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ખુદ ભારત સરકાર પણ સીમાને ભારતમાંથી હાંકી કાઢી શકે એમ નથી. સીમાએ પુરવાર કરી દીધું છે કે તે કોઈ જાસૂસ નથી. સીમાએ એ પણ પુરવાર કરી દીધું છે કે તે પ્રેમ માટે જ ભારત આવી હતી અને ભારત આવ્યા પછી સીમાએ એક દીકરીનો જન્મ આપ્યો, જેને લીધે હવે તે દીકરી ભારતની વતની છે. માત્ર દોઢ મહિનાની દીકરી હોવાથી તેને માની જરૂર છે. સીમાના ઍડ્વોકેટ એ. પી. સિંહ કહે છે, ‘સીમા-સચિનની દીકરીનો જન્મ ભારતમાં થયો હોવાથી પાકિસ્તાન તેને સ્વીકારશે નહીં. આવા સમયે કોર્ટે પણ માનવતાને ધ્યાનમાં રાખીને સીમાને ઇન્ડિયામાં રહેવા દેવી જોઈએ એ વાત પણ અમે કોર્ટમાં મૂકી છે.’
આ તે કેવું ધર્મસંકટ?
૬૧ વર્ષની શાહિદા અદ્રિસ ખાન અત્યારે આ જ મનોદશા અનુભવી રહી છે. ૨૦૦૨માં પોતાના મામાના દીકરા અદ્રિસ સાથે મૅરેજ કરીને ભારત આવેલી શાહિદા સમયાંતરે વીઝા લઈને તેના પરિવારને મળવા જતી, પણ પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન સરકારે એકબીજાના દેશના નાગરિકોને પાછા મોકલી દેવાનો હુકમ કર્યો ત્યારે શાહિદા માટે ધર્મસંકટ ઊભું થયું કે તે શું કરે? પતિ અને બાળકો સાથે પંજાબમાં રહે કે પછી પિયર પક્ષ એવા પાકિસ્તાન જઈને પોતાનાં ભાઈ-બહેન અને અન્ય સગાંસંબંધીઓ સાથે રહે? શાહિદા કહે છે, ‘મારે એક પક્ષને કદાચ કાયમ માટે છોડવો પડે એવી પરિસ્થિતિ વચ્ચે મેં મારા પતિ અને બાળકોને પસંદ કર્યાં છે, પણ મારું મન તો મારાં ભાઈઓ-બહેનો પાસે છે. ખુદા જાણે હું હવે તેમને ક્યારે મળી શકીશ?’
વાત ખોટી પણ નથી. શાહિદા જ્યારે ૬૧ વર્ષની છે ત્યારે સમજી શકાય કે તેનાં મોટાં ભાઈ-બહેનોની ઉંમર શું હશે? સરહદના ટેન્શન વચ્ચે જો તેમાંના કોઈનો દેહાંત થાય તો શાહિદા તેમને ક્યારેય ન મળી શકે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે, પણ શાહિદા પાસે બીજો કોઈ ઑપ્શન નહોતો. પહલગામ આતંકવાદી હુમલાની ઘટના ઘટી એ પહેલાં શાહિદા ઑલરેડી તેનાં આન્ટીને છેલ્લી વાર જોવા માટે પાકિસ્તાન જવાની હતી, પણ એ દરમ્યાન આ ઘટના ઘટી એટલે શાહિદાએ આન્ટીને છેલ્લી વાર મળવા જવાનું ટાળી દીધું. શાહિદા કહે છે, ‘બને કે કદાચ પાકિસ્તાન સરકાર મને ફરી આવવા ન દે અને ભારત સરકાર મને ફરી સ્વીકારે નહીં.’
અત્યાર સુધી શાહિદા ભારત સરકારના લૉન્ગ-ટર્મ વીઝા પર ભારતમાં રહેતી હતી, જેને કારણે તેને પાકિસ્તાન જવાના વીઝા પણ સરળતાથી મળતા રહેતા. પાંચ વર્ષે રિન્યુ કરવા પડતા આ વીઝામાં પાકિસ્તાન જવા માટે પણ સરળતાથી વીઝા મળી રહેતા. અલબત્ત, હવે એ શક્યતા પણ રહેતી નથી અને શાહિદાએ ધર્મસંકટ વચ્ચે હવે સારા દિવસોની રાહ જોવાની છે જેમાં બન્ને દેશના નાગરિકો સરળતાથી એકબીજાના દેશમાં રહેતાં સગાંસંબંધીઓને મળવા માટે અવરજવર કરી શકે.
મા-દીકરી છૂટાં પડ્યાં આવી જ કફોડી હાલત અન્ય લોકોની પણ થઈ છે.
૧૭ વર્ષની અયાત મોહમ્મદ ભારત આવી હતી તેની મમ્મી સાથે. હવે તેણે એકલા જ દેશ છોડવો પડ્યો છે. અયાતની મમ્મી પાસે ભારતીય વીઝા છે, પણ પાકિસ્તાનમાં મૅરેજ પછી વર્ષોથી ત્યાં જ રહેતાં; જ્યારે અયાતનો જન્મ પાકિસ્તાનમાં થયો હોવાથી તેની પાસે પાકિસ્તાનના વીઝા છે. પહલગામ અટૅક પછી નિયમ મુજબ અયાતે પાછા પાકિસ્તાન જવું પડ્યું છે, જ્યારે તેની મમ્મીના વીઝા પૂરા થતા હોવાથી તેને પાકિસ્તાન એન્ટ્રી આપવા રાજી નથી. અયાતે કહ્યું હતું કે આતંકવાદીઓને જે સજા આપવી હોય એ આપો, પણ અમારા જેવા સામાન્ય નાગરિકોને શું કામ આ રીતે સજા મળે! અયાત તેની મમ્મીને લઈને મમ્મીનાં સગાંસંબંધીઓને મળવા ઇન્ડિયા આવી હતી. મમ્મીને મૂકીને પાકિસ્તાન પરત ગયેલી અયાતને ખબર નથી કે હવે તેની મમ્મીને પાકિસ્તાન પાછા આવવા મળશે કે નહીં અને ધારો કે મળશે તો તે ક્યારે પોતાના ઘરે પાછી જઈ શકશે?

