પોલીસ સોશ્યલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવનારાઓ પર પણ નજર રાખી રહી છે
આ કેસમાં પોલીસે ૧૫ લોકોની ધરપકડ કરી છે
ઉજ્જૈનના તરાનામાં શુક્રવારની નમાજ પછી બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. બાવીસમી જાન્યુઆરીની સાંજે બજરંગ દળના કાર્યકર પર થયેલા હુમલા બાદ બીજા દિવસે ઘણાં ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી. બન્ને પક્ષોએ ભારે પથ્થરમારો કર્યો હતો અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી. માત્ર ટૂ-વ્હીલર જ નહીં, એક બસને પણ આગ ચાંપવામાં આવી હતી. ફાયર-બ્રિગેડે બાદમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ કેસમાં પોલીસે ૧૫ લોકોની ધરપકડ કરી છે. આમાંથી પાંચ હિંસામાં સંડોવાયેલા આરોપીઓ છે અને બાકીના ૧૦ પથ્થરમારો કરનારા છે. પોલીસે ૬ લોકો સામે કેસ નોંધ્યો છે, જેમાંથી પાંચની ધરપકડ કરવામાં આવી છે અને એક ફરાર છે.
ADVERTISEMENT
ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે પથ્થરમારો કરનારા તમામ લોકોની ઓળખ કરવામાં આવી છે. લગભગ ૫૦ લોકોએ પથ્થરમારો કર્યો હતો.
ઉજ્જૈનની પોલીસે પરિસ્થિતિ સંભાળી લીધી છે, સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લૅગ માર્ચ કરવામાં આવી છે અને શાંતિની અપીલ કરવામાં આવી છે. પોલીસ સોશ્યલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવનારાઓ પર પણ નજર રાખી રહી છે. પરિસ્થિતિ અઘોષિત કરફ્યુ જેવી છે. બજારો અને ઘરો બંધ છે.


