પરિવારને ખતમ કરીને આત્મહત્યા કરી કે કોઈક બહારનાએ આવીને સામૂહિક મર્ડર કર્યાં એ સવાલનો જવાબ શોધી રહી છે સહારનપુર પોલીસ
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક જ પરિવારના પાંચ લોકોનાં શબ મળી આવ્યાં હતાં. અશોક, તેની પત્ની અંજિતા, તેનાં મમ્મી વિદ્યાવતી અને બે દીકરાઓ કાર્તિક અને દેવના માથા પર ગોળી વાગી હતી. અશોક અને પત્નીના શબ જમીન પર હતાં જ્યારે મા અને બે સંતાનોનાં શબ પથારી પર પડેલાં મળ્યાં હતાં. ઘટનાસ્થળ પરથી ત્રણ તમંચા પણ મળ્યા હતા.
પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે અશોકે બધાને મારીને જાતે આત્મહત્યા કરી હશે. પરિવારના માથે દેવું હોય, નોકરીને લઈને કોઈ સ્ટ્રેસ હોય, પારિવારિક વિવાદ કે માનસિક દબાણ જેવાં પરિબળો પર પણ તપાસ થઈ રહી છે. પરિવારમાં કોઈ વાતે ઝઘડો થયો હોય તો એની સંભાવનાની તપાસ પણ કરવામાં આવશે. બીજી તરફ કોઈ બહારની વ્યક્તિ ઘરમાં પ્રવેશી હોય અને ઘટનાને અંજામ આપ્યો હોય એવી શક્યતા બાબતે પણ તપાસ થઈ રહી છે. એ માટે ઘરની આસપાસના CCTV કૅમેરાનું ફુટેજ ફંફોસવામાં આવશે.
ADVERTISEMENT
પાડોશીઓના કહેવા મુજબ પરિવાર શાંત સ્વભાવનો હતો અને કોઈની સાથે તેમને વિવાદ નહોતો. દીકરો કાર્તિક દસમામાં અને દેવ નવમા ધોરણમાં ભણતા હતા. પોલીસે હાલમાં ઘરને સીલ કરીને બધાના મોબાઇલ ફોન જપ્ત કરી લીધા છે.


