ધર્માંતરણના કેસની આરોપીને મદદ કરવા બદલ સંભાજીનગરના નગરસેવક મતીન પટેલને સહઆરોપી બનાવીને તપાસ શરૂ થઈ...
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
તાતા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ની નાશિક ઑફિસમાં કર્મચારીઓનું; ખાસ કરીને મહિલા કર્મચારીઓનું ધર્માંતરણ કરાવવાના પ્રયાસના કેસમાં વૉન્ટેડ આરોપી નિદા ખાનને આખરે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અને નાશિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને ગુરુવારે સંભાજીનગરના નારેગાવના કૌસર પાર્કમાંથી ઝડપી લીધી હતી. વળી આ કેસમાં તેને છુપાવામાં મદદ કરનાર સંભાજીનગરના ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના નગરસેવક મતીન પટેલને પણ હવે સહઆરોપી બનાવવામાં આવ્યો છે. પોલીસ ત્યાર બાદ સંભાજીનગરમાં AIMIMના નેતા ઇમ્તિયાઝ જલીલના ઘરે પણ ગઈ હતી. જોકે પોલીસ-ઑફિસરે એ વિઝિટ પર્સનલ વિઝિટ હોવાનું કહ્યું હતું.
સંભાજીનગરના AIMIMના નગરસેવક મતીન પટેલે નારેગાવના કૌસર પાર્કમાં એક મકાન ભાડે લીધું હતું જેમાં નિદા ખાન તેનાં માતાપિતા, ભાઈ અને માસી સાથે રહેતી હતી. પોલીસે આ કેસમાં મતીન પટેલનો મોબાઇલ ફોન જપ્ત કર્યો છે અને તેને પણ આ કેસમાં નિદા ખાનને છુપાવામાં મદદ કરવા બદલ સહઆરોપી બનાવ્યો છે.
છેલ્લા ૪૦ દિવસથી પોલીસ નિદા ખાનને શોધી રહી હતી. તેણે પોતે બે મહિનાની ગર્ભવતી છે એમ કહીને કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી, પણ એ અરજી કોર્ટે ફગાવી દીધી હતી. પહેલાં એવું પણ જાણવા મળ્યું હતું કે નિદા ખાન ભિવંડીમાં છુપાઈ છે એથી પોલીસે ત્યાં પણ શોધખોળ કરી હતી.
