લોકસભામાં પસાર થયા બાદ રાજ્યસભામાં વક્ફ સંશોધન વિધેયક ૨૦૨૪ રજૂ કરતી વખતે બોલ્યા કિરેન રિજિજુ
નરેન્દ્ર મોદી
લોકસભામાં પસાર થયા બાદ વક્ફ (સંશોધન) વિધેયક, ૨૦૨૪ ગઈ કાલે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય લઘુમતી કાર્ય પ્રધાન કિરેન રિજિજુએ વિધેયકને ગૃહમાં રજૂ કર્યું હતું. આશરે ૧૨ કલાક લાંબી દલીલ બાદ વક્ફ (સંશોધન) વિધેયક ૨૦૨૪ને બુધવારે મધરાત પછી લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ વિધેયકને લઈને સત્તાધારી NDA પક્ષ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે લાંબી ચર્ચા ચાલી હતી. લોકસભામાં ૨૮૮ સંસદસભ્યોએ વિધેયકના પક્ષમાં જ્યારે ૨૩૨ સંસદસભ્યોએ વિરોધમાં મત આપ્યા હતા. હવે દરેકની નજર રાજ્યસભા પર ટકેલી છે.
અલ્પસંખ્યક મામલાના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું હતું કે ‘વક્ફ સંશોધન વિધેયકને લઈને પહેલાં સરકાર અને ત્યાર બાદ સંસદની સંયુક્ત સમિતિ (JPC)એ વિવિધ પક્ષો સાથે વ્યાપક ચર્ચા દ્વારા વક્ફ બોર્ડને સમાવેશી બનાવવામાં આવ્યું છે. કેન્દ્રીય વક્ફ કાઉન્સિલમાં બાવીસ સભ્યો હશે. એમાં ચારથી વધુ બિન-મુસ્લિમ સભ્યો રહેશે નહીં.’
ADVERTISEMENT
કેટલાક લોકોએ એવો પણ દાવો કર્યો હતો કે સંસદભવન વક્ફ જમીન પર બનેલું છે. આ સંદર્ભમાં કિરણ રિજિજુએ કહ્યું હતું કે કલ્પના કરો કે જો નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં ન આવી હોત તો દેશની હાલત શું હોત?
રાજ્યસભાનું ગણિત
રાજ્યસભામાં ૨૪૫ સંસદસભ્ય હોઈ શકે છે, પરંતુ હાલના સમયમાં ગૃહમાં ૨૩૬ સંસદસભ્યો જ છે અને ૯ બેઠકો ખાલી પડી છે. કુલ ૧૨ સંસદસભ્યો નૉમિનેટ થઈ શકે છે અને એની સંખ્યા હાલમાં ૬ છે. એવામાં વિધેયક પાસ કરાવવા માટે કુલ ૧૧૯ સંસદસભ્યોની જરૂર હોય છે. આંકડાઓ પર નજર કરીએ તો NDA પાસે હાલ બહુમતી છે. BJPના ૯૮ સંસદસભ્યો છે અને JDUના ૪, TDP બે અને NCPના બે સિવાય ગઠબંધનના ૧૦ અને પાર્ટીઓના એક-એક સંસદસભ્ય ગૃહમાં છે.

