Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ભગવાન શ્રી મહાવીરનાં પંચ મહાવ્રત

ભગવાન શ્રી મહાવીરનાં પંચ મહાવ્રત

Published : 10 April, 2025 10:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે મહાવીર સ્વામીના જન્મકલ્યાણક નિમિત્તે જાણો

ભગવાન મહાવીર

વિશેષ લેખ

ભગવાન મહાવીર


જેમ પર્વતોમાં હિમાલય અને હિમગિરિમાં ગૌરીશંકર તેમ વ્યક્તિત્વમાં મહાવીર. જમીન પર ઊભા રહી શિખરને જોઈ શકાય પણ ઉપર પહોંચવા પગદંડી ક્યાં? પ્રભુ મહાવીરને સમજવા તેમના હૃદયદ્વાર સુધી પહોંચવાની પગદંડી એટલે પ્રભુ શ્રી મહાવીરનાં પંચ મહાવ્રત : અહિંસા, અકામ, અપ્રમાદ, અચૌર્ય અને અપરિગ્રહ.


આ પંચ મહાવ્રત ભાવ પર આધારિત છે, કર્મ પર નહીં. ભાવ શુદ્ધ હશે તો કર્મ અશુદ્ધ થવાનો સવાલ જ ઊભો નથી થતો. કેટલી સુંદર રચના.



 પંચ મહાવ્રતની પહેલી ટૂંક એટલે અહિંસા. અહિંસા સહજ છે, સ્વભાવ છે. કોઈ વ્યક્તિ ૨૪ કલાક હિંસક ન રહી શકે પણ અહિંસક રહી શકે. ચર્ચા હિંસા પર હોય, અહિંસા પર નહીં. જેમ ચર્ચા બીમારી પર હોય, સ્વાસ્થ્ય પર નહીં. સ્વાસ્થ્ય અનુભવી શકાય અને માણી શકાય. કીડીને બચાવીને તમે ચાલો અને મહાવીર ચાલે એમાં ફરક છે. તમે કીડીને બચાવીને પગ મૂકો છો જ્યારે મહાવીર પોતાના જ અંશ પર ક્યાંક પગ ન પડી જાય એમ સમજીને પગ મૂકે છે. ‘હું’ અને ‘તું’ના ઉપદ્રવથી જ હિંસા જન્મે છે, જ્યારે મહાવીરે સમગ્ર સૃષ્ટિના જીવોને આત્મવિલીન કર્યા છે. ‘તું’ જ ‘હું’ છું તો હિંસા કોની સાથે. જ્યારે દીક્ષા માટે માતા ત્રિશલાની અનિચ્છા હતી છતાં ઉપરવટ જવું એને સૂક્ષ્મ હિંસા ગણી પ્રભુએ દીક્ષા ન લીધી. વિચાર્યું કે સૂક્ષ્મ હિંસાથી પણ દીક્ષા લઉં તો મોક્ષ ક્યાં પ્રાપ્ત થવાનો છે?


 બીજી ટૂંક એટલે ‘અકામ’. જીવનની સર્વાધિક ઊર્જા એટલે ‘કામ.’ વિજ્ઞાને એને શક્તિનું નામ આપ્યું છે. કામ-ઊર્જા અંદરની તરફ વળે તો ‘અકામ’ અને બહારની તરફ વળે તો કામ, ઇચ્છા, કામના, ડિઝાયર. પ્રભુ મહાવીરનો સંદેશ ઊર્જાને અંદરની તરફ વાળી મોક્ષ પામવાનો છે. ઊર્જાથી ભરપૂર મૃત્યુ એટલે મોક્ષ. પણ આપણે ઊર્જાનો બહાર વ્યય કરી ખાલી કારતૂસ જેવા મૃત્યુને વરીએ છીએ. આપણે ઊર્જાથી ખાલી અને ઇચ્છાઓથી ભરપૂર હોઈએ છીએ એટલે જ મૃત્યુ ઉત્સવ નહીં, સૌંદર્ય નહીં પણ પીડાદાયક બને છે. ઊર્જાની દિશા બદલો અને મોક્ષ પામો. કેટલો સરળ ઉપાય છે પ્રભુનો.

 ત્રીજી ટૂંક એટલે ‘અપ્રમાદ’. આધ્યાત્મિક ભાષામાં પ્રમાદ એટલે આળસ નહીં પણ મૂર્છા, નિદ્રા, સંમોહિત અવસ્થા. આપણે મન:સ્થિતિ પ્રમાણે સાત પ્રકારની ચેતનાના મકાનમાં રહીએ છીએ. ચેતન, અચેતન, સમષ્ટિ અચેતન, બ્રહ્મ અચેતન, સમષ્ટિ ચેતના, બ્રહ્મચેતના અને સુપરચેતના એ સાતેય મંજિલની ઓળખ એટલે મોક્ષ. આપણે હંમેશાં મૂર્છિત અવસ્થામાં જ જીવીએ છીએ એટલે જ ભગવાન મહાવીર કહે છે કે વિવેકથી બેસ, વિવેકથી વરત, વિવેકથી ખા. વિવેકનો અર્થ છે અવેરનેસ, અપ્રમાદ અવસ્થા, જાગ્રત અવસ્થા. હું શું કરી રહ્યો છું એનું સંપૂર્ણપણે ભાન હોવું એટલે અપ્રમાદની અવસ્થા. શિષ્યએ ભગવાનને જ્યારે પૂછ્યું કે સાધુ કોને કહેવાય તો જવાબ હતો ‘અસુક્તા મુનિ’; જે સૂતો નથી, હંમેશાં જાગ્રત રહે છે તે સાધુ. જાગ્રત અવસ્થા એટલે જ અપ્રમાદની અવસ્થા. જાગ્રત હશો તો ક્રોધ નહીં થાય, નિંદા નહીં થાય, પાપ નહીં થાય. માનવી તું જાગ, મૂર્છામાંથી બહાર નીકળ.


 ચોથી ટૂંક એટલે ‘અચૌર્ય’. આ વસ્તુની ચોરીની વાત છે જ નહીં, આ વાત છે ‘વ્યક્તિત્વની’ ચોરીની. દરેક માનવી પોતાનો ચહેરો લઈને જીવતો જ નથી. તેના ચહેરા મિત્ર, શત્રુ, માલિક, પતિ, પત્ની, સંતાન સામે બદલાતા રહે છે. ‘તું’ જે છે એમ જીવ. ચહેરાની અદલાબદલીમાં તું તારું વ્યક્તિત્વ ગુમાવી બેઠો છે, અસ્તિત્વ ગુમાવી બેઠો છે. જીવનના અંતે વિચારે છે કે શું બનવું હતું અને શું બની ગયો? ચોરી વિચારોની પણ હોઈ શકે. પ્રભુ કહે છે કે તું મહાવીર બનવાની કોશિશ પણ નહીં કર અને ‘તું’ ‘તું’ જ રહીશ ત્યારે અચૌર્યની અવસ્થાને પામીશ. મારી પાસેથી સુગંધ રાખીને ફૂલ ફેંકી દે, સમજ રાખ, વિચાર ફેંકી દે. મારા વિચારોની ચોરી પણ નહીં કર. તારામાં એ જ સામર્થ્ય, એ જ પૉટેન્શિયલ છે, એ જ બીજ છે જે મારામાં છે. તારા પોતાના વિચારથી થતા આચરણમાં ભાવ આવશે. તારું પોતાનું એક અસ્તિત્વ છે. એક શ્રાવક શિષ્ય બનવા આવેલા ત્યારે મહાવીરે કહ્યું કે ‘જા તારો ચહેરો લઈને આવ.’ અર્થાત્ તું જે છે તે મારી સામે નથી. કેટલો સુંદર વિચાર છે અચૌર્ય.

 પાંચમી ટૂંક એટલે ‘અપરિગ્રહ’.  પરિગ્રહ, સંયમ, છોડવું આ બધાં સ્થૂળ વ્રત છે. પરિગ્રહનો અર્થ એ ન હોવો જોઈએ કે ઇચ્છા ઘણી છે પણ છોડું છું. આ પ્રભુને મંજૂર નથી. સંયમ પાળવાની વાત જ અહીં નથી. એનું અસ્તિત્વ જ મારા માટે નથી જેના માટે મારી લાગણી જ નથી આવો ભાવ આવવો અને તમારો પ્રવેશ અપરિગ્રહમાં થયો જ સમજો. જેનો પરિગ્રહ લેવો પડે એનો અર્થ એમ થાય કે તેનું અસ્તિત્વ કે તેનો અંશ હજી તમારામાં છે તો જીવનની કોઈ નબળી ક્ષણે લપસી પડવાની શક્યતા રહે છે, પણ જેનું અસ્તિત્વ જ નથી એવો ભાવ સંશયમુક્ત બનાવે છે. અહીં પરિગ્રહ ચીજવસ્તુ છોડવાનો નથી. પ્રભુનો ભાવ છે દુનિયાની આસક્તિ, મોહ, માયા, લોભ, સંબંધો પ્રત્યે. પ્રભુ કહે છે જ્યારે તારામાં આ ભાવ પેદા થશે ત્યારે સૃષ્ટિની સ્થૂળ ચીજો પ્રત્યે અપરિગ્રહનો ભાવ આપોઆપ સુક્ષ્મરૂપે તારામાં પ્રવેશ કરશે. 

પ્રભુનાં પંચ મહાવ્રતના સંદેશને ઓશોની દૃષ્ટિએ અહીં પ્રસ્તુત કર્યા છે. જો એ અસમજથી પહોંચાડ્યા હોય તો પ્રભુ મને ક્ષમા કરે. આપ સૌના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારાં પ્રણામ. 

નોંધ : વિરલ ટોળિયાના લેખને ૨૨૦૦ સ્પર્ધકોની ઑલ-ઇન્ડિયા નિબંધસ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

10 April, 2025 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK