હરિયાણાના સિરસાના ૮૫ વર્ષના લાલચંદ ગોદારાએ નિવૃત્તિ બાદ અભ્યાસ શરૂ કરીને આર્ટ્સમાં એમએની ડિગ્રી મેળવી છે. પૌત્રીને ભણતી જોઈ તેમને પણ ભણવાની પ્રેરણા મળી હતી. હવે તેઓ પીએચડીની તૈયારી કરી રહ્યા છે.
૮૫ વર્ષના દાદાએ MA કર્યું
મનમાં કંઈક કરવાની ચાહત હોય તો ઉંમર ક્યારેય નડતર નથી બનતી. હરિયાણાના સિરસામાં રહેતા ૮૫ વર્ષના દાદા લાલચંદ ગોદારાએ ઉંમરની સીમાઓને ઓવરકમ કરીને આર્ટ્સમાં માસ્ટર્સ એટલે કે MAની ડિગ્રી હાંસલ કરી છે. પૌત્રીને ભણતી જોઈને તેમને પણ ભણવાનો નાદ લાગ્યો હતો. લાલચંદભાઈ માત્ર નવું શીખવામાં જ ઉત્સાહિત છે એવું નથી, તેઓ ફિઝિકલી પણ ખૂબ ફિટ અને મહેનતુ છે. આ ઉંમરે પણ રોજ તેઓ કેટલાય કિલોમીટર ચાલી નાખે છે અને સાઇકલ ચલાવી લે છે. સિરસામાં લાલચંદભાઈ હવે યુવાનો માટે રોલ-મૉડલ બની ગયા છે. બાળપણમાં તેઓ કદી સ્કૂલ જઈ શક્યા નહોતા, પરંતુ નિવૃત્તિની ઉંમર પછી તેમણે ભણવાનું શરૂ કર્યું અને MA કર્યું. જોકે હજી તેમની ભણવાની ઇચ્છા તૃપ્ત નથી થઈ. હવે તેઓ PhD એટલે કે ડૉક્ટરેટની તૈયારી કરી રહ્યા છે.
