ભોપાલના મ્યુઝિયમમાં સચવાયેલી ૯૦૦ વર્ષ જૂની સરસ્વતી દેવીની મૂર્તિ પર સંશોધન કર્યું તો એ તો મા ગાયત્રીની નીકળી
દેવીની મૂર્તિ
મધ્ય પ્રદેશના ધારની ૯૦૦ વર્ષ જૂની મૂર્તિ અત્યાર સુધી મા સરસ્વતીની હોવાનું મનાતું હતું, પરંતુ અસલમાં એ દેવી ગાયત્રીની મૂર્તિ હોવાનું જાણવા મળ્યું છે. આ મૂર્તિ ભોપાલના મ્યુઝિયમમાં પડી છે. શક્તિશાળી પરમાર રાજવંશના ઐતિહાસિક સમયની આ કલાકૃતિ દેવી સરસ્વતીની હોવાનું માનીને તમામ ઐતિહાસિક રિસર્ચ અને દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યાં હતાં, જોકે હવે રાજ્યના પુરાતત્ત્વ ખાતાએ હાઈ રિઝૉલ્યુશન 3D મૅપિંગ અને ડીટેઇલ્ડ ડિજિટલ ડૉક્યુમેન્ટેશનની મદદથી મૂર્તિના એક-એક હિસ્સાની તપાસ કરતાં સદીઓ જૂના રહસ્ય પરથી પડદો ઊઠ્યો છે. આ મૂર્તિની તપાસ કરતાં એની ઓળખ જ બદલાઈ ગઈ હતી. ઇતિહાસકારો અને પુરાતત્ત્વવિદોનું કહેવું છે કે જો સરસ્વતી દેવીની મૂર્તિ હોય તો ચતુર્ભુજ દેવીની મૂર્તિના હાથમાં વીણા હોવી જોઈએ. વીણા સરસ્વતી દેવીની ઓળખનો અભિન્ન હિસ્સો છે. ગુપ્ત સામ્રાજ્ય દરમ્યાન પ્રાચીન કળામાં મા સરસ્વતીને વીણા સાથે તરાશવાની પરંપરા હતી. પુરાતત્ત્વવિદોએ જ્યારે મૂર્તિના ચાર હાથમાં મોજૂદ પ્રતીકોને પ્રાચીન ગ્રંથો સાથે સરખાવ્યાં તો ખબર પડી કે આ દેવી લલિતાસન મુદ્રામાં બેઠાં છે અને ચાર હાથમાંથી એકમાં વેદ ગ્રંથ છે. બીજામાં કમળનું ફૂલ અને જપમાળા છે. મૂર્તિની બાજુમાં હંસ છે જે પરમ જ્ઞાનનું પ્રતીક છે. એ ઉપરાંત આસમાનમાંથી માળા લઈને નીચે ઊતરતા દેવદૂતો દર્શાવામાં આવ્યા છે જે આ પ્રાચીન કલાકૃતિની દિવ્યતાને વિશેષ બનાવે છે. આ મૂર્તિ ભારતીય પ્રાચીન શાસ્ત્રો અને શ્રીમદ્ દેવીભાગવત પુરાણમાં દેવી ગાયત્રીના સ્વરૂપના વર્ણન સાથે અક્ષરશઃ મેળ ખાય છે.
