આંધ્ર પ્રદેશના ગુંટુર શહેરમાં એક દંપતીએ મકરસંક્રાન્તિ પર જમાઈનું એવું સ્વાગત કર્યું કે તેઓ સોશ્યલ મીડિયા પર છવાઈ ગયા. ગોદાવરી જિલ્લો આમેય જમાઈઓની આવભગત કરવા માટે જાણીતો છે.
છપ્પનભોગ નહીં, ૧૫૮ મીઠાઈઓથી જમાઈનું સ્વાગત કર્યું સાસુ-સસરાએ
આંધ્ર પ્રદેશના ગુંટુર શહેરમાં એક દંપતીએ મકરસંક્રાન્તિ પર જમાઈનું એવું સ્વાગત કર્યું કે તેઓ સોશ્યલ મીડિયા પર છવાઈ ગયા. ગોદાવરી જિલ્લો આમેય જમાઈઓની આવભગત કરવા માટે જાણીતો છે. જોકે આ વર્ષે જમાઈના સ્વાગતમાં રેકૉર્ડબ્રેક મીઠાઈઓ પીરસીને ગુંટુર જિલ્લાના તેનાલી ગામમાં રહેતા દંપતીએ બાજી મારી હતી. વંદનાપુ મુરલીકૃષ્ણ અને તેમનાં પત્નીએ દીકરી મોનિકાના પતિના સ્વાગતમાં એવી દાવત સજાવી કે લોકો જોતા રહી ગયા. તેમણે ડાઇનિંગ ટેબલ પર કેળનાં પત્તાં પાથરીને છપ્પનભોગને ટક્કર આપે એટલી ૧૫૮ મીઠાઈઓ બનાવીને પીરસી હતી. અનેક જાતના લાડુ, ડઝનબંધ બરફી, કાજુકતરીથી લઈને આંધ્રની પરંપરાગત મીઠાઈઓ એમાં હતી. જમાઈનું આવું સ્વાગત કરવામાં આવ્યું કેમ કે તેઓ ગોદાવરી જિલ્લાના છે અને ત્યાં જમાઈઓને સાસુ-સસરા હાથમાં રાખે છે. તેનાલી ગામમાં રહેતી મોનિકાના પિતાએ આ વખતે પોતાનું ગામ પણ જમાઈઓની આવભગતમાં પાછું પડતું નથી એ સાબિત કરવા માટે એટલું મોટું જમણ ગોઠવ્યું હતું. જમાઈ પણ સાસુ-સસરાની આ મહેનત જોઈને ખુશ થઈ ગયા હતા.


