એક સિલિન્ડરમાંથી લગભગ ૨૫ લીટર દારૂ મળ્યો જેની કિંમત આશરે ત્રીસથી ૪૦ હજાર રૂપિયા જેટલી છે
સિલિન્ડરના મેટલને કાપીને એક બાકોરું બનાવવામાં આવ્યું હતું અને અંદર દારૂનાં પૅકેટ્સ ઠાંસીને ભરી દેવામાં આવ્યા હતા
ભારતનાં જે રાજ્યોમાં દારૂબંધી છે ત્યાં ગેરકાનૂની રીતે દારૂની હેરાફેરી કરવાનો મોટો બિઝનેસ ચાલે છે.
છુપાઈને દારૂની દાણચોરી કરવા માટે લોકો જાતજાતનાં ગતકડાં શોધી કાઢે છે. તાજેતરમાં બિહારના ગોપાલગંજમાં દારૂની ખેપ પકડાઈ એમાં હેરાફેરીનો જુગાડ જબરી નવાઈ પમાડે એવો છે. બિહાર પોલીસે ગોપાલગંજમાં એક શંકાસ્પદ બાઇકરને પકડ્યો હતો. બાઇક પર એક માણસ ગૅસનો બાટલો બાંધીને જઈ રહ્યો છે. ખુલ્લી બાઇકમાં સિલિન્ડર સાથે જતા માણસ પર દારૂની હેરફેરની શંકા તો ક્યાંથી થાય? પણ પોલીસને બાતમી મળી હોવાથી એ બાઇકરને ઊભો રાખીને ઊલટતપાસ કરવામાં આવી તો ખબર પડી કે બાઇકની પાછળ બાંધેલા સિલિન્ડરમાં ગૅસ નહીં, દારૂ હતો. સિલિન્ડરના મેટલને કાપીને એક બાકોરું બનાવવામાં આવ્યું હતું અને અંદર દારૂનાં પૅકેટ્સ ઠાંસીને ભરી દેવામાં આવ્યા હતા. એ પછી બાકોરું એ જ મેટલથી ઢાંકી દેવામાં આવ્યું હતું. આખાય સિલિન્ડર પર લાલ કપડું પહેરાવવામાં આવ્યું હતું. એક સિલિન્ડરમાંથી લગભગ ૨૫ લીટર દારૂ મળ્યો જેની કિંમત આશરે ત્રીસથી ૪૦ હજાર રૂપિયા જેટલી છે. જ્યારે આ બાઇકરને પૂછવામાં આવ્યું તો ખબર પડી કે આ પ્રકારે દારૂની હેરાફેરી ઘણા સમયથી થઈ રહી હતી અને અત્યાર સુધી પોલીસના નાક નીચેથી એ પસાર પણ થઈ જતી હતી.
