શ્રેયાએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે મારી મમ્મી આખરે સાજી થઈ રહી છે; આ અતિશયોક્તિપૂર્ણ નથી, પરંતુ ChatGPTએ તેનો જીવ બચાવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
હેલ્થકૅરમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની સંભાવના વિશે વ્યાપક ચર્ચા થઈ રહી છે ત્યારે શ્રેયા નામની એક યુઝરે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે મારી મમ્મીની રહસ્યમય અને લાંબા સમયથી ચાલતી બીમારી પાછળના સંભવિત કારણને ઓળખવામાં ChatGPTએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. શ્રેયાએ લખ્યું હતું કે ‘મારી મમ્મીને દોઢ વર્ષથી સતત ઉધરસ હતી. અમે ટોચના ડૉક્ટરોને મળ્યા; શહેરની અને બહારની મોટી હૉસ્પિટલોમાં ગયા; હોમિયોપથી, આયુર્વેદ, ઍલોપથી દવાઓથી સારવારનો પ્રયાસ કર્યો; પરંતુ કંઈ મદદ મળી નહીં. સ્થિતિ વધુ ખરાબ થઈ, મમ્મીને આંતરિક રક્તસ્રાવ શરૂ થયો. ડૉક્ટરોએ કહ્યું કે જો આ ૬ મહિના સુધી ચાલુ રહેશે તો એ જીવલેણ બની શકે છે.
થાકેલી શ્રેયાએ ChatGPTમાં તેની મમ્મીનાં લક્ષણોનું વિગતવાર વર્ણન કર્યું અને સેકન્ડોમાં AI ચૅટબૉટે શક્ય કારણોની યાદી સૂચવી અને એમાંથી બ્લડ-પ્રેશર (BP)ની દવાની આડઅસર બહાર આવી. શ્રેયા ફરી ડૉક્ટરોને મળી અને ડૉક્ટરોએ પણ દવાની આડઅસરની વાત સ્વીકારી અને દવા બદલી દીધી. હવે શ્રેયાની મમ્મીને સારું લાગી રહ્યું છે. શ્રેયાએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે મારી મમ્મી આખરે સાજી થઈ રહી છે; આ અતિશયોક્તિપૂર્ણ નથી, પરંતુ ChatGPTએ તેનો જીવ બચાવ્યો છે.

