બૉમ્બે હાઈ કોર્ટે આ કેસમાં પતિ, ક્લિનિક અને નૅશનલ ધ અસિસ્ટેડ રીપ્રોડિક્ટવ ટેક્નૉલૉજી (રેગ્યુલેશન) ઍન્ડ સરોગસી બોર્ડને નોટિસ મોકલાવી છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના એક દંપતી વચ્ચે ભ્રૂણને ટ્રાન્સફર કરાવવાના મુદ્દે કાયદાકીય જંગ ફાટી નીકળ્યો છે. મહિલાએ પતિની પરવાનગી વગર ફ્રીઝ કરાયેલા ભ્રૂણ ટ્રાન્સફર કરવાની પરવાનગી માગી હતી, પણ પતિએ એ માટે ઇનકાર કરી દેતાં હવે આ મુદ્દે કોર્ટ પણ ચકરાવે ચડી છે. હાલ આ કેસ બૉમ્બે હાઈ કોર્ટમાં ચાલી રહ્યો છે.
મૂળમાં એ દંપતીનાં ૨૦૨૧માં લગ્ન થયાં હતાં અને ૨૦૨૨માં તેમણે કેમ્પ્સ કૉર્નરના એક ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) સેન્ટરમાં પતિના શુક્રાણુ અને પત્નીના અંડાશયથી ૧૬ ભ્રૂણ તૈયાર કરી ફ્રીઝ કરાવ્યા હતા. એ માટેની ઍન્યુઅલ ૨૫,૦૦૦ રૂપિયાની ફી પણ ભરી હતી. એ પછી ૨૦૨૩માં તેમના સંબંધો વણસ્યા હતા અને બન્ને અલગ થઈ ગયાં હતાં. જોકે એ પછી ૪૬ વર્ષની મહિલાને માતા બનવાની ઇચ્છા થતાં તેણે પતિની પરવાનગી લીધા વગર એ ભ્રૂણ કોલાબાના IVF સેન્ટરમાં ટ્રાન્સફર કરવાની પરવાનગી માગી હતી, પણ તેના પતિએ એ માટે ઈ-મેઇલ કરીને ના પાડી દીધી હતી. એથી મહિલાએ ત્યાર બાદ કોર્ટમાં ધા નાખતાં કહ્યું હતું કે આ તેના મા બનવાના અધિકાર પર તરાપ મારવા સમાન છે. મહિલાની આ દલીલ સાંભળી કોર્ટ પણ ચકરાવે ચડી ગઈ છે. આ કિસ્સો ધ અસિસ્ટેડ રીપ્રોડિક્ટવ ટેક્નૉલૉજી (રેગ્યુલેશન) ઍક્ટ ૨૦૨૧ની જોગવાઈ હેઠળ પતિ-પત્ની બન્નેની સહમતી હોવી જરૂરી છે એને પડકારે છે. ગુરુવારે બૉમ્બે હાઈ કોર્ટનાં જસ્ટિસ રેવતી મોહિત ડેરે અને જસ્ટિસ નીલો ગોખલેની બેન્ચે આ બાબતે નોટિસ ઇશ્યુ કરી અરજીની હવે પછીની સુનાવણી ૨૧ ઑગસ્ટે રાખી છે.
ADVERTISEMENT
બૉમ્બે હાઈ કોર્ટે આ કેસમાં પતિ, ક્લિનિક અને નૅશનલ ધ અસિસ્ટેડ રીપ્રોડિક્ટવ ટેક્નૉલૉજી (રેગ્યુલેશન) ઍન્ડ સરોગસી બોર્ડને નોટિસ મોકલાવી છે.
પતિએ ૨૫ લાખ રૂપિયા માગ્યા ઃ મહિલાનો આરોપ
મહિલાએ કહ્યું હતું કે તેને ૨૦૨૨માં ખબર પડી કે તેના ગર્ભાશયમાં ગાંઠ છે. એથી તેણે માયોમેક્ટૉમી કરાવી હતી અને પછી ભ્રૂણ કેમ્પસ કૉર્નરના IVF સેન્ટરથી કોલાબાના સેન્ટરમાં ટ્રાન્સફર કરવાની અરજી કરી હતી. મહિલાનું કહેવું છે કે મધ્યસ્થી દરમ્યાન ભ્રૂણ ટ્રાન્સફર કરવા પતિએ તેની પાસે ૨૫ લાખ રૂપિયા માગ્યા હતા. એ પછી તેણે આ સંદર્ભે નાગપાડા પોલીસ-સ્ટેશનમાં ૨૦૨૫ની ૨૯ મેએ પતિ સામે ફરિયાદ કરી છે જેમાં તેણે ધમકી અને તેના પ્રજનન-અધિકારોનો ભંગ થતો હોવાનો આરોપ કર્યો છે. એ કેસ હજી મૅજિસ્ટ્રેટ કોર્ટમાં થશે, પણ એ દરમ્યાન મહિલાએ હાઈ કોર્ટમાં અરજી કરી છે.
વકીલની દલીલ શું?
મહિલાના વકીલે રજૂઆત કરતાં કહ્યું છે કે ધ અસિસ્ટેડ રીપ્રોડિક્ટવ ટેક્નૉલૉજી (રેગ્યુલેશન) ઍક્ટ ૨૦૨૧ સિંગલ વુમનને સહાય કરે છે, પણ પરિણીત મહિલાઓએ પતિની સહમતી વગર અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જે પુરુષપ્રધાન માનસિકતા દર્શાવે છે. તેણે એવો દાવો કર્યો છે કે પતિની પરવાનગી જરૂરી હોવાથી તેનો માતા બનવાનો અધિકાર છીનવાઈ રહ્યો છે.

