લગભગ ૨૩ કલાક પછી પાણી પીવાથી ફૂલીને ઉપર આવી ગયેલું શબ મળતાં ક્રેન સાથે ખાટલો અને રસ્સી બાંધીને શબ કાઢવામાં આવ્યું હતું.
સાર્થક વાનખેડે નામના ૧૪ વર્ષના ટીનેજરને તેની મમ્મી ખિજાઈ હતી.
દીકરાને ભણવા બેસવાનું કહેવું તો આમ વાત હશે, પણ આજના ટીનેજરોને ક્યારે એનાથી માઠું લાગી જાય એની ખબર નથી પડતી. આવું જ કંઈક મધ્ય પ્રદેશના છિંદવાડામાં રવિવારની સવારે થયું. સાર્થક વાનખેડે નામના ૧૪ વર્ષના ટીનેજરને તેની મમ્મી ખિજાઈ. સવારે લગભગ નવ વાગ્યે સાર્થક છત પર રમી રહ્યો હતો અને તેની મમ્મી પૂનમે બૂમ પાડીને તેને નીચે બોલાવ્યો. ત્રણથી ચાર વાર બોલાવ્યા પછી પણ સાર્થક નીચે ન આવ્યો એટલે મમ્મીએ તેને નીચેના રૂમમાંથી જ ખિજાવાનું ચાલુ કર્યું. બસ, તેને નીચે નહોતું આવવું અને મમ્મીએ ફોર્સ કર્યો એટલે તેણે ગુસ્સામાં આવીને ઘરના આંગણામાં આવેલા કાચા કૂવામાં છત પરથી જ કૂદકો મારી દીધો. મા એ દૃશ્ય નજરે જોઈને ડઘાઈ ગઈ. તરત જ તેણે પરિવારજનોને બોલાવ્યા, કૂવો ખૂબ જ ઊંડો હોવાથી કોઈ નીચે અંદર ઊતરી શકે એમ નહોતું. સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફૉર્સને જાણ કરવામાં આવી. બચાવ માટે આવેલી ટુકડીના નિષ્ણાતોએ પણ કૂવામાં ઊંડે સુધી સાર્થક કે તેની બૉડીની શોધ કરી પણ તેમને સફળતા ન મળી. છેક ગઈ કાલે સવારે સાડાનવે એટલે કે લગભગ ૨૩ કલાક પછી પાણી પીવાથી ફૂલીને ઉપર આવી ગયેલું શબ મળતાં ક્રેન સાથે ખાટલો અને રસ્સી બાંધીને શબ કાઢવામાં આવ્યું હતું.


