તાજેતરમાં ચીનના સ્પેસસ્ટેશન પર ઍસ્ટ્રોનૉટ્સે સફળતાપૂર્વક ટમેટાં ઉગાડ્યાં છે
હવે ચીની અવકાશયાત્રીઓ સ્પેસમાં ગાજર અને ઘઉંની ખેતી કરવાનો પ્રયોગ કરવાના છે
તાજેતરમાં ચીનના સ્પેસસ્ટેશન પર ઍસ્ટ્રોનૉટ્સે સફળતાપૂર્વક ટમેટાં ઉગાડ્યાં છે. ચીની અવકાશયાત્રીઓએ આ ટમેટાંની સફળતા સાથે સ્પ્રિન્ગ ફેસ્ટિવલ સ્પેસસ્ટેશનમાં ઊજવ્યો હતો. ટમેટાં ઉગાડવા માટે ન તો માટીનો ઉપયોગ થયો હતો, ન પાણીનો. અહીં ઍરોપૉનિક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતલબ કે માત્ર હવાનો ઉપયોગ કરીને ટમેટાં ઉગાડવામાં સફળતા મેળવી હતી. ટમેટાંના છોડના મૂળ પર પાણીની વાછંટ નાખીને એને સ્પેશ્યલ સૂરજ જેવાં કિરણો આપતી LED લાઇટની રોશની આપતા બૉક્સમાં મૂકી દેવામાં આવ્યાં હતાં. આ બધું જ માઇક્રોગ્રૅવિટી એટલે કે ઝીરો ગુરુત્વાકર્ષણની સ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. એમાં પાણીની જરૂરિયાત પણ ખૂબ ઓછી હતી અને છોડનો ગ્રોથ પણ બહુ ઝડપી હતો. સ્પેસસ્ટેશન પર જ્યાં ટમેટાં ઉગાડવામાં આવ્યાં છે એ સ્થળને હીલિંગ કૉર્નર નામ આપવામાં આવ્યું છે. છોડની હરિયાળી જોઈને અવકાશયાત્રીઓને માનસિક સુકૂન મહેસૂસ થાય છે. આ વનસ્પતિ લાંબા મિશનમાં ઑક્સિજન પૂરો પાડવાનું કામ પણ કરી શકે છે. હવે ચીની અવકાશયાત્રીઓ સ્પેસમાં ગાજર અને ઘઉંની ખેતી કરવાનો પ્રયોગ કરવાના છે.
