કોઈ બીજું જ જીતેલી રકમ ક્લેમ કરીને લઈ ગયું
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
આપણે કે આપણી આસપાસમાં ઘણા લોકો સોશ્યલ મીડિયા પર જે ગમે એ બેફામ શૅર કરતા જોવા મળે છે. જીવનની દરેક નાની-મોટી અપડેટ તરત સોશ્યલ મીડિયા પર મૂકી દેવાની ટેવ પણ ઘણા લોકોને હોય છે. ચીનમાં હમણાં એક વ્યક્તિને આવું કરવું ખૂબ ભારે પડ્યું હતું.
આ ચીની ભાઈએ લૉટરીની ટિકિટ ખરીદી હતી અને તે લૉટરી જીતી પણ ગયો હતો. ઉત્સાહમાં ને ઉત્સાહમાં ભાઈસાહેબે લૉટરીની ટિકિટ સોશ્યલ મીડિયા પર શૅર કરી દીધી. એક તરફ આખો દિવસ તેના પર અભિનંદનની વર્ષા થઈ તો બીજી તરફ તેની લૉટરીની ટિકિટના ફોટોનો ઉપયોગ કરીને એક હોશિયાર ગઠિયો વિનિંગ પ્રાઇઝ પડાવી ગયો. બીજા દિવસે ચીનીભાઈ લૉટરીમાં જીતેલા પૈસા લેવા માટે સ્ટોર પર ગયો ત્યારે તેને ખબર પડી કે પેલા હોશિયાર ગઠિયાએ વિજેતા તરીકે પોતાની બનાવટી ઓળખ બનાવી દીધી હતી અને એનો ઉપયોગ કરીને લૉટરીની રકમ ટ્રાન્સફર પણ કરાવી લીધી હતી. હારેલો-થાકેલો દુઃખી તે અંતે પોલીસ પાસે ગયો અને કેસ દાખલ કર્યો. પોલીસે આ કેસની તપાસ કરીને તે ગઠિયાને શોધી કાઢ્યો જેણે લૉટરીની રકમ ક્લેમ કરીને પડાવી લીધી હતી. અંતે જાણવા એવું મળ્યું છે કે પોલીસે પૈસાની વસૂલાત કરીને સાચા માલિક એટલે કે આપણા વિનર ભાઈને તેના વિનિંગ પ્રાઇઝની રકમ પહોંચાડી દીધી છે.


