એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરે આ વૃક્ષનો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે
ડાઇપરનું ટ્રી
શિવની નગરી કાશી અનેક આધ્યાત્મિક સ્થાનો માટે જાણીતું છે. જોકે છેલ્લા કેટલાક સમયથી વારાણસીમાં આવેલું ડાઇપર ટ્રી સોશ્યલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યું છે. એનું કારણ એ છે કે વારાણસીના નવા વિકસિત શહેરી વિસ્તારમાં ખરેખર એક વૃક્ષ પર ડઝનબંધ ડાઇપર લટકતાં જોવા મળ્યાં છે. એવું નથી કે વૃક્ષ પર ડાઇપર ઊગ્યાં છે. હકીકત એ છે કે નજીકના જ ઘરમાં રહેતા એક પરિવારને બાળકને પહેરાવેલાં ડાઇપર્સ એમ જ ઘરની બાલ્કનીમાંથી ફેંકી દેવાની આદત છે. એને કારણે આ વપરાયેલાં, ગંધાતાં અને ચીતરી ચડે એવાં ડાઇપર્સ નજીકની ઝાડની ડાળીઓમાં ફસાઈ રહ્યાં છે. આવાં એક-બે નહીં, ડઝનબંધ ડાઇપર્સ ઝાડ પર અને ઝાડની નીચે પડેલાં છે. આ પરિવારને અનેક વાર કહેવામાં આવ્યું છે કે આવું કરવાથી તેમના જ ઘરનું આંગણું ગંદું થાય છે, પણ કોઈ સુધારો થાય એવું લાગતું નથી. એટલે એક સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સરે આ વૃક્ષનો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો છે. જે વાત સમજાવટ ન કરી શકી એ કદાચ કટાક્ષવાળા વિડિયોને કારણે સામાજિક શરમ અનુભવવાથી સમજાઈ જાય એવી આશા છે.


