ચીનના જિઆંગ્સુ રાજ્યમાં ગયા અઠવાડિયે લગભગ ૧૦૦૦ વર્ષ જૂનું મંદિર બળીને ખાક થઈ ગયું હતું
વેનચાંગ મંદિર
ચીનના જિઆંગ્સુ રાજ્યમાં ગયા અઠવાડિયે લગભગ ૧૦૦૦ વર્ષ જૂનું મંદિર બળીને ખાક થઈ ગયું હતું. ફેન્ગુઆંગ પહાડ પાસે આવેલું વેનચાંગ મંદિર જ્ઞાન અને સાહિત્યના દેવતાને સમર્પિત છે. આ મંદિર એક અણઘડ ટૂરિસ્ટની ભૂલને કારણે આગમાં હોમાઈ ગયું હતું. પૂજા કરતી વખતે એક ટૂરિસ્ટે સળગતી અગરબત્તી અને મીણબત્તી એમ જ છોડી દીધી હતી. મંદિર આખું લાકડાનું બનેલું હોવાથી મીણબત્તી પાસેનો ભાગ સળગીને ધુમાડામાં તબદીલ થવા લાગ્યો. ખૂબ ધીમી આગ હોવાથી ખબર ન પડી કે ક્યાં આગ લાગી છે અને એ જ વખતે ૩ માળના મંદિરની છત ઢળી પડતાં આખું ભવન સળગી ઊઠ્યું. કહેવાય છે કે મંદિરનો એ જ ભાગ સળગ્યો છે જે ૨૦૦૯માં બનાવવામાં આવ્યો હતો. પ્રાચીન અવશેષોને નુકસાન પહોંચ્યું નથી એટલે ફરીથી મંદિરનું નિર્માણ થશે.


