મહેમાનો ઘરેથી લાવેલાં વાસણોમાં ખાવાનું પાર્સલ કરીને લઈ જાય છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
આપણે ત્યાં લગ્નમાં જમવાના મેનુને સરભર કરે કે ન કરે એવી રીતે મનફાવે એવી રકમ ચાંદલો કરવા માટેના કવરમાં મૂકીને લોકો ભરપેટ ભોજન કરવા ટેવાયેલા છે. લગ્નપ્રસંગને યજમાન પરિવાર જુએ પણ એ રીતે છે કે રિટર્ન સારું મળે કે ન મળે, ઘરના દીકરા કે દીકરીનો પ્રસંગ છે એટલે રંગેચંગે સૌને ભાવતું ભરપેટ જમાડીએ. જોકે પાકિસ્તાનનો એક ગજબ વિડિયો હમણાં વાઇરલ થયો છે. આ વિડિયોમાં એવું દેખાડવામાં આવ્યું છે કે એક ગામમાં લગ્નનું આયોજન થયું છે, પણ ત્યાં ખાવાની વ્યવસ્થા એકદમ બજારમાં હોય એવી કરવામાં આવી છે. મહેમાનો એક લાઇનમાં ઊભા રહીને કાઉન્ટર પર પહોંચે છે. ત્યાં પહેલાં એક માણસ રોકડા રૂપિયા લે છે. એ રૂપિયા પ્રમાણે ત્રાજવા પર તોળીને તેમને ખાવાનું પીરસે છે. મેનુના ભાવ પણ વિડિયોમાં જાણવા મળે છે. પુલાવ એક કિલોના ૨૦૦૦ રૂપિયા, ચિકન કરીના બે કિલોના ૫૦૦૦ રૂપિયા અને શાક માટે પણ ૧૦૦૦ રૂપિયાનો ચાર્જ જોવા મળ્યો હતો. એટલું જ નહીં, મહેમાનો ઘરેથી લાવેલાં વાસણોમાં ખાવાનું પાર્સલ કરીને લઈ જાય છે.
આ વિડિયોમાં અનેક પાકિસ્તાને યુઝર્સે કબૂલ્યું હતું કે ‘ભાઈ, આ વાતની નવાઈ નથી. અમારે ત્યાં આ વાત હવે સામાન્ય બનતી જાય છે. અમારે પણ લગ્નમાં આવું જ કરવું પડ્યું હતું, નહીં તો અમે કરજમાં ડૂબી જઈએ.’


