મંદિરોમાં ચોરી કરતાં પકડાયેલા ચોરનું કહેવું હતું...
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં એક અનોખો ચોર પકડાયો છે
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં એક અનોખો ચોર પકડાયો છે. આ ચોરભાઈ માત્ર મંદિરોની દાનપેટીમાંથી ચોરી કરતા હતા. નવાઈની વાત એ હતી કે તે મંદિરના દરવાજા તોડીને મૂર્તિને પહેરાવેલાં લાખો રૂપિયાનાં ઘરેણાંને હાથ પણ નહોતો લગાડતો. એટલું જ નહીં, દાનપેટીમાં પણ જો દાગીના હોય તો એ પણ રાખી મૂકતો. માત્ર જે પૈસા ચડાવવામાં આવ્યા હોય એ જ ઉઠાવી જતો હતો. જ્યારે આ ચોરભાઈ પોલીસના હાથે ચડ્યા અને કારણ પૂછ્યું તો તેણે જે કહ્યું એ ચોંકાવનારું હતું. તેનું કહેવું હતું કે હું ભગવાનને કારણે બીમાર પડ્યો છું તો એ માંદગી માટેનો ખર્ચ પણ ભગવાન જ ઉઠાવશે.
આ વાતને વધુ સમજાવતાં સ્થાનિક પોલીસે કહ્યું હતું કે ‘૨૦૧૧માં પણ આ આરોપી મારપીટના મામલે જેલમાં ગયો હતો. જોકે ત્યાં તે કૉમન શેવિંગ બ્લેડથી દાઢી કરી રહ્યો હતો અને એમાં વારંવાર ગળા પર કટ વાગી જતાં ઇન્ફેક્ટેડ બ્લેડને કારણે તેને એઇડ્સ માટે જવાબદાર હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસ HIVનો ચેપ લાગી ગયો હતો. જેલમાંથી છૂટીને તે બહાર આવ્યો અને બીમાર રહેવા લાગ્યો ત્યારે તપાસ કરતાં આ ચેપ વિશે ખબર પડી હતી. HIVની સારવાર ખૂબ ખર્ચાળ હતી અને એનાથી તે ખૂબ પરેશાન હતો. બસ, એ પછી તેણે નક્કી કર્યું કે મારા આ રોગનું કારણ પણ ભગવાન જ છે તો એનો ખર્ચ પણ ભગવાન જ આપશે. તેનો દાવો છે કે અત્યાર સુધીમાં તે ૩૦ મંદિરોમાં ચોરી કરી ચૂક્યો છે.’

