ઇટલીના વિન્સેજા શહેરમાં ૭૦ વર્ષના એક દાદા પર સરકારી ખાતા સાથે ફ્રૉડ કરવાનો આરોપ લાગ્યો છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઇટલીના વિન્સેજા શહેરમાં ૭૦ વર્ષના એક દાદા પર સરકારી ખાતા સાથે ફ્રૉડ કરવાનો આરોપ લાગ્યો છે. આ દાદા છેલ્લાં ૫૩ વર્ષથી જોઈ શકતા ન હોવાનું નાટક કરતા હતા એવું તાજેતરમાં સાબિત થયું છે. જોઈ શકતા હોવા છતાં અંધ હોવાનો ડોળ કરીને તેમણે સરકાર પાસેથી વિકલાંગતા ભથ્થું મેળવ્યું હતું. આ જૂઠા દાવાને કારણે તેમણે સરકાર પાસેથી દસ લાખ યુરો એટલે કે લગભગ ૧૦ કરોડ રૂપિયા એંઠ્યા હતા. જીવનની લગભગ અડધી સદી સુધી તેમણે માત્ર સરકાર જ નહીં, સમાજને પણ ચકમો આપીને આંધળા હોવાનું નાટક કર્યું હતું. જોકે છેલ્લા થોડાક સમયથી તેમની વર્તણૂક શંકાસ્પદ થઈ રહી હોવાની તેમની આસપાસના જ કેટલાક લોકોએ શંકા જતાવી હતી. આ વાત સરકારી અધિકારીઓ સુધી પહોંચતાં તેમણે લગભગ બે મહિના સુધી છાનાછપના આ ભાઈને ટ્રૅક કરવાનું શરૂ કર્યું હતું. એમાં ખબર પડી કે તેઓ ચાલાકી કરીને જાહેરમાં આંધળા હોવાનો ડોળ કરે છે. બાકી આરામથી પોતાના ઘરમાં ફરે છે. બાગમાં કામ કરવાનું હોય, બજારમાંથી ખરીદી કરવાની હોય કે પૈસાની લેવડદેવડ કરવાની હોય ત્યારે તેમને બધું જ દેખાય છે. સરકારી અધિકારીઓએ તેમને રંગેહાથ પકડી લીધા હતા. હવે તેમના પર ફ્રૉડ કરવાનો આરોપ લાગ્યો છે, તેમને અપાતી સહાય તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવી છે અને છેલ્લા એક વર્ષમાં જે રકમ તેમણે મેળવી એની પર ભારે ટૅક્સ ભરવાનું કહેવામાં આવ્યું છે.


