શાર્દૂલ ઠાકુરે પાંચ વિકેટ લઈને આસામ સામે ૯૮ રનથી જીત અપાવી
સરફરાઝ ખાન
લખનઉમાં ગઈ કાલે મુંબઈએ ઑલરાઉન્ડર પ્રદર્શન કરીને આસામ સામે ૯૮ રને જીત નોંધાવી હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની વર્તમાન સીઝનમાં સતત ચોથી જીત નોંધાવીને મુંબઈએ ગ્રુપ Aમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. મુંબઈએ ૪ વિકેટ ગુમાવીને ૨૨૦ રન કર્યા હતા. જવાબમાં આસામ ૧૯.૧ ઓવરમાં ૧૨૨ રન કરીને ઑલઆઉટ થયું હતું.
મુંબઈ માટે સ્ટાર બૅટર સરફરાઝ ખાન ૪૭ બૉલમાં ૮ ફોર અને ૭ સિક્સરની મદદથી ૧૦૦ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમ્યો હતો. મુંબઈના ૨૮ વર્ષના આ સ્ટાર બૅટરે પોતાની T20 કરીઅરની પહેલવહેલી સદી ફટકારી હતી. અગાઉની ૯૬ T20 મૅચમાં તે ૩ વખત જ ૫૦+ રન કરી શક્યો હતો.
ADVERTISEMENT
કૅપ્ટન શાર્દૂલ ઠાકુરે પેસ બોલર તરીકે ૩ ઓવરના સ્પેલમાં ૨૩ રન આપીને પાંચ વિકેટ ઝડપીને ધમાલ મચાવી હતી. છેલ્લી બે મૅચનો શતકવીર આયુષ મ્હાત્રે આ મૅચમાં ૧૫ બૉલમાં ૩ ફોર અને એક સિક્સરના આધારે ૨૧ રન કરીને કૅચઆઉટ થયો હતો.


