જયપુરના માનસરોવર, સાંગાનેર, ચારદીવારી બઝાર જેવા જાહેર વિસ્તારોમાં જાયન્ટ દૂધના સ્ટૉલ્સ શરૂ કરવામાં આવ્યા હતા જે સાંજે સાત વાગ્યાથી જ ગરમાગરમ દૂધ પીરસી રહ્યા હતા
ઘડિયાળનો કાંટો બારને પાર કરી ગયો એ પછી તો લોકોએ મન મૂકીને કઢિયલ દૂધ પીધું
આ વખતે થર્ટીફર્સ્ટ નાઇટના સેલિબ્રેશનમાં સાવ અનોખો જ ચીલો ચાતર્યો હતો રાજસ્થાનના જયપુરવાસીઓએ. કેટલીક સામાજિક સંસ્થાઓએ ભેગા મળીને આખા શહેરમાં ઠેર-ઠેર દૂધ પાર્ટીનું આયોજન કર્યું હતું. જાહેર જગ્યાઓએ જ્યાં લોકો નવા વર્ષની ઉજવણી માટે એકઠા થતા હોય છે ત્યાં સાંજથી જ હજારો લીટર દૂધના કડાયા ગરમ કરીને ઉકાળવા માટે ચડાવી દેવામાં આવ્યા હતા. મૂળ હેતુ હતો યુવાનો દારૂને બદલે દૂધ પીએ. જયપુરના માનસરોવર, સાંગાનેર, ચારદીવારી બઝાર જેવા જાહેર વિસ્તારોમાં જાયન્ટ દૂધના સ્ટૉલ્સ શરૂ કરવામાં આવ્યા હતા જે સાંજે સાત વાગ્યાથી જ ગરમાગરમ દૂધ પીરસી રહ્યા હતા, એ પણ સાવ જ ફ્રીમાં. રાજસ્થાન યુનિવર્સિટીની બહાર જ્યાં મોટી સંખ્યામાં યુવાનો ભેગા થતા હોય છે ત્યાં પણ કેસરિયા કઢિયલ દૂધના સ્ટૉલ્સ હતા અને યુવાનોએ એનો પૂરા દિલથી લાભ ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમમાં ક્યાંય કચરો પેદા ન થાય એ માટે ડિસ્પોઝેબલ ચીજો નહોતી રાખવામાં આવી. લોકોને માટીના ગ્લાસમાં ગરમાગરમ દૂધ આપવામાં આવ્યું હતું જેથી ગ્લાસનો કચરો પણ ગંદકી કરવાને બદલે એ ઝડપથી રીસાઇકલ થઈ જાય. સામાજિક સંસ્થાઓએ લગભગ પાંચ લાખ લોકોને સવા લાખ લીટર જેટલું દૂધ જયપુરવાસીઓને પીવડાવ્યું હોવાનો અંદાજ છે. ઘડિયાળનો કાંટો બારને પાર કરી ગયો એ પછી તો લોકોએ મન મૂકીને કઢિયલ દૂધ પીધું. લગભગ ૫૦૦ જગ્યાએ સ્ટૉલ્સ રાખવામાં આવ્યા હતા. ક્યાંક ભજનસંધ્યા પણ ગોઠવવામાં આવી હતી તો ક્યાંક જલેબી અને ક્યાંક કચોરી પણ સાથે આપવામાં આવી હતી. કડકડતી ઠંડીમાં ગરમાગરમ દૂધ પીવાનો આનંદ લીધા પછી અનેક લોકોએ કહ્યું હતું કે દારૂ-પાર્ટી કરતાં આ કઢિયલ દૂધની પાર્ટી બધી જ રીતે સારી છે.


