ઊંઘવાના પણ રૂપિયા મળતા હોય તો કેટલું સારું? આવું ઘણા લોકો વિચારતા હોય છે, પરંતુ આપણી ભાગદોડભરી જીવનશૈલીને કારણે સારી અને સાઉન્ડ સ્લીપ આવવાનું દુર્લભ થઈ ગયું છે. જપાનની એક મૅટ્રેસ કંપનીએ સૂવાની સ્પર્ધા યોજી છે.
જપાનમાં સૂવાની સ્પર્ધા યોજાઈ છે, સારી રીતે સૂઈ જનારને મળશે ૧૩.૭ લાખ રૂપિયા
ઊંઘવાના પણ રૂપિયા મળતા હોય તો કેટલું સારું? આવું ઘણા લોકો વિચારતા હોય છે, પરંતુ આપણી ભાગદોડભરી જીવનશૈલીને કારણે સારી અને સાઉન્ડ સ્લીપ આવવાનું દુર્લભ થઈ ગયું છે. જપાનની એક મૅટ્રેસ કંપનીએ સૂવાની સ્પર્ધા યોજી છે. આ સ્પર્ધામાં વ્યક્તિએ કોઈ જ કામ નથી કરવાનું, માત્ર સારામાં સારું સૂવાનું છે. પાંચ ઑક્ટોબરે ટોક્યોમાં થનારી આ સ્પર્ધા એક સ્ટેડિયમમાં થશે. એમાં જે વ્યક્તિ જીતશે તેને ૨.૨૨ મિલ્યન યેન એટલે કે લગભગ ૧૩.૭૬ લાખ રૂપિયાનું ઇનામ મળશે. માત્ર ૯૦ મિનિટ સુધી જ સૂવાનું છે. તમે પથારીમાં પડતાંની સાથે કેટલું જલદી ઊંઘમાં સરી પડો છો અને ઊંઘ કેટલી ઘેરી છે એ બન્ને માપવામાં આવશે. આ માટે ખાસ સ્લીપ-ટ્રૅકિંગ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવશે. સ્પર્ધકોએ મૅટ્રેસ પર સૂતાં પહેલાં કેટલીક એક્સરસાઇઝ કરવાની રહેશે. આયોજકોનું કહેવું છે કે સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિ જો પહેલેથી જ સ્લીપ-ડિપ્રાઇવ્ડ હશે તો એ નહીં ચાલે. મતલબ કે તમે આગલા દિવસે ઉજાગરો કર્યો હોય જેથી ઊંઘ તરત જ આવી જાય તો એ તેમના સ્લીપ ટ્રૅકિંગ ડિવાઇસમાં પકડાઈ જશે. કોઈ સ્લીપિંગ પિલ પણ અલાઉડ નથી. એકસાથે ૨૦-૨૦ જણની બૅચમાં સ્પર્ધકોને સુવાડવામાં આવશે. મૅટ્રેસ કંપનીનું કહેવું છે કે આ કોઈ મનોરંજનની સ્પર્ધા નથી, લોકો સારી ઊંઘ કોને કહેવાય અને એ કેમ જરૂરી છે એ સમજે એની જાગૃતિ માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે.
