અમેરિકાના રૉબર્ટ કેટલેટની અંતિમ ઇચ્છા મુજબ તેમની જૅપનીઝ પત્ની મિયાકોએ બાગેશ્વર પાસે સરયૂ નદીમાં તેમના અસ્થિનું વિસર્જન કર્યું. બન્નેની મુલાકાત ૨૦૦૫માં ભારતમાં યોગશિબિરમાં થઈ હતી.
જૅપનીઝ પત્નીએ અમેરિકન પતિના અસ્થિનું વિસર્જન કર્યું બાગેશ્વર પાસેની સરયૂ નદીમાં
અમેરિકામાં રહેતા રૉબર્ટ કેટલેટ નામના ભાઈની અંતિમ ઇચ્છા હતી કે તેમના અસ્થિ ભારતમાં સરયૂ નદીમાં વહાવવામાં આવે. તેમની આ ઇચ્છા જૅપનીઝ પત્ની મિયાકોએ આ રવિવારે પૂરી કરી હતી. રૉબર્ટ અને મિયાકોની પહેલી મુલાકાત ૨૦૦૫માં ભારતમાં એક યોગશિબિરમાં થઈ હતી. એ પછી તેઓ બન્ને ૨૦૦૭માં બાગેશ્વર આવ્યાં હતાં અને અહીંની પ્રાકૃતિક સુંદરતા જોઈને અહીંના પ્રેમમાં પડી ગયાં. બન્નેએ ૨૦૦૯માં લગ્ન કર્યાં અને થોડોક સમય ભારતમાં તો થોડોક સમય અમેરિકામાં રહેતાં હતાં. એક વર્ષ પહેલાં રૉબર્ટનું લાંબી બીમારી પછી મૃત્યુ થયું હતું. રૉબર્ટે બીમારી દરમ્યાન પત્ની સમક્ષ ઇચ્છા વ્યક્ત કરી હતી કે તેનાં અસ્થિનું વિસર્જન બાગેશ્વર પાસેની સરયૂ નદીમાં કરવામાં આવે. મિયાકોએ એક વર્ષ પછી ભારત આવીને વૈદિક મંત્રોચ્ચાર અને પૂજાવિધિ કરીને પતિના અસ્થિ વિસર્જિત કર્યાં હતાં.
