કેરલાના થ્રિસૂરમાં એક પરિવાર ૭ વર્ષના બાળકને લઈને ‘લોકા’ ફિલ્મ જોવા માટે થિયેટર પર ગયો હતો
પ્રતીકાત્મક તસવીર
કેરલાના થ્રિસૂરમાં એક પરિવાર ૭ વર્ષના બાળકને લઈને ‘લોકા’ ફિલ્મ જોવા માટે થિયેટર પર ગયો હતો. ટિકિટ માટેની લાંબી લાઇન લાગી હતી ત્યારે ૭ વર્ષનું એક બાળક પરિવારથી વિખૂટું પડી જવાને કારણે રડતું હતું. થિયેટરના કર્મચારીઓને એની ખબર પડી એટલે તેની પાસે જઈને વાત પૂછી તો ખબર પડી કે તે પોતાના આખા પરિવાર સાથે ફિલ્મ જોવા આવ્યો હતો, પણ હવે તેના પરિવારજનો મળી નથી રહ્યા. થિયેટરમાં અનાઉન્સમેન્ટ કરાવી કે કોઈનું બાળક ખોવાયું હોય તો હેલ્પલાઇન પર સંપર્ક કરે, પણ કોઈ પૂછવા ન આવ્યું. કર્મચારીને થયું કે કદાચ અહીં હાઉસફુલ હતું અને ટિકિટ ન મળી એટલે પાસેના થિયેટરમાં પરિવાર જતો રહ્યો હશે તો? તેમણે ફોન કરીને પાડોશી થિયેટરમાં અનાઉન્સમેન્ટ કરાવી. એ જાહેરાતની થોડી જ મિનિટોમાં પરિવારના લોકો હાંફળા-ફાંફળા દીકરાને લેવા દોડી આવ્યા હતા. પરિવારજનોનું કહેવું હતું કે આ થિયેટરમાં ટિકિટ ન મળી એટલે તેઓ બીજા થિયેટરમાં ભાગ્યા હતા, પણ ઉતાવળમાં દીકરો અહીં જ રહી ગયો એનું ધ્યાન નહોતું રહ્યું.

